બોટાદના બરવાળાના રોજીદ ગામમાં સોમવારે લઠ્ઠાકાંડમાં 8 લોકોના મોત થયા હતા અને પાંચથી વધુ લોકોની તબિયત લથળી હતી. અમદાવાદ રેન્જ ઇન્સ્પેક્ટર જનરલ વી ચંદ્રશેખરે મીડિયાને જણાવ્યું હતું કે ધંધુકા તાલુકામાંથી ચાર મૃતદેહો સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને બીજા ચાર લોકોની હાલત સ્થિત છે. ઝેરી દારુ પીધા બાદ ઓછામાં ઓછા 14થી 20 વ્યક્તિ બિમાર પડ્યા હતા. બે મૃતદેહના સવારે અંતિમસંસ્કાર કરાયા હતા અને લઠ્ઠાકાંડના અહેવાલ બાદ બે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. ઝેરી દારુથી મોત થયું છે કે નહીં તે પોસ્ટમોર્ટમ રીપોર્ટ પછી જાણી કરાશે. જોકે પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે મૃતકો અને બિમાર પડેલા લોકોએ રવિવારની રાત્રે દેશી દારુ પીતો હતો.
કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં અને કેટલાક લોકોને બોટાદની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કથિત લઠ્ઠાકાંડની તપાસ માટે ડીવાએસપીના વડપણ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી.
મીડિયા રીપોર્ટ મુજબ પ્રાથમિક તપાસ મુજબ તમામ લોકોએ નભોઈ ગામેથી દેશી દારૂ પીધો હતો. દારૂની ઝેરી અસરના કારણે રોજીદ ગામે 2 લોકોનાં મોત થયાં હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અન્ય 6 લોકોના પણ મોત થયેલા હોવાથી અત્યાર સુધીમાં કુલ 8 લોકોના મોત થયા છે. પોલીસે આ ઘટનાની તપાસ ચાલુ કરી હતી.