યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન 21 એપ્રિલે ભારતની મુલાકાત દરમિયાન ગુજરાતમાં અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મળે તેવી શક્યતા છે. તેઓ ગાંઘીનગરમાં અક્ષરધામ મંદિરની પણ મુલાકાત લેશે.
સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવાયું હતું કે અદાણી સાથે મુલાકાત ઉપરાંત જોન્સન ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક (ગીફ્ટ)ની મુલાકાત લેશે અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને મળશે. અદાણી લંડનમાં ઐતિહાસિક સાયન્સ મ્યુઝિમ ખાતે ક્લાઇમેટ ચેન્જના જોખમને હાઇલાઇટ કરતી નવી ગેલેરી માટે ફંડિંગ કરી રહ્યાં છે. અદાણીએ ગયા ઓક્ટોબરમાં જોન્સન સાથે મુલાકાત કરી ત્યારે એનર્જી રિવોલ્યુશનઃ અદાણી ગ્રૂપ એનર્જી ગેલેરીની જાહેરાત કરવામાં આવી હતી.
જોન્સને વડોદરા નજીકના ઔદ્યોગિક શહેર હાલોલની મુલાકાત પણ લેશે. અહીં તેઓ કંસ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ કંપની જીસીબીની મુલાકાત લઈ શકે છે. એવા બિનસત્તાવાર અહેવાલ છે કે જેસીબીના ચેરમેન પોલ બેમફોર્ડ પણ જોન્સનની સાથે હશે.