વેપાર, રોકાણ અને ક્લાઇમેટ એક્શન ક્ષેત્રે ભારત-યુકેના સંબંધોને ફરીથી સશક્ત બનાવવા અને ભારત-યુકે વચ્ચેના ભાવિ જોડાણો માટેના મોટેભાગે સહમત એવા ‘રોડમેપ 2030’ને અંતિમ સ્વરૂપ આપવા વડા પ્રધાન બોરીસ જોન્સન તા. 25 એપ્રિલથી ભારતની ટૂંકી મુલાકાત લેનાર છે.
વડા પ્રધાન જોન્સનની ભારતની મુલાકાત અગાઉ ચાર-પાંચ દિવસ માટે નિર્ધારીત હતી પણ કોવિડ-19 રોગચાળાના કારણે તે ટૂંકી કરી મુંબઈ અને પુણેના કાર્યક્રમો રદ કરાયા છે. તેઓ હવે નવી દિલ્હી અને બેંગ્લુરુનો જ પ્રવાસ કરશે. જોન્સન આ અગાઉ 26 જાન્યુઆરીના રોજ ભારતના ગણતંત્ર દિવસ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાના હતા પરંતુ યુકેમાં કોવિડ-19 રોગચાળાના વ્યાપને કારણે ભારતની મુલાકાતને મોકૂફ રાખી હતી.
જોન્સનના પ્રવક્તાએ ડાઉનીંગ સ્ટ્રીટ ખાતે જણાવ્યું હતું કે ‘’ભારતમાં કોરોનાની સ્થિતિ અંગે ભારત સરકારના સતત સંપર્ક અને વિચારવિમર્શ બાદ વડાપ્રધાને તેમની મુલાકાતને ટૂંકાવવાનો નિર્ણય કર્યો છે. જોન્સન ભારતના વડા પ્રધાન મોદી અને ઉચ્ચ-સ્તરના પ્રધાનો અને અધિકારીઓ સાથે દ્વિપક્ષીય બેઠકો ઉપરાંત ભારતના બિઝનેસ લીડર્સ સાથે વિચારવિમર્શ કરશે. તેઓ મોટાભાગના અન્ય કાર્યક્રમો સોમવાર, તા. 26 એપ્રિલના રોજ આટોપી દેશે. ડિસેમ્બર 2020ના બ્રેક્ઝિટ પછી યુરોપની બહાર જોન્સનની આ પહેલી મોટી દ્વિપક્ષીય મુલાકાત છે. આ કાર્યક્રમ ભારત સરકાર અને ભારતીય ઉદ્યોગપતિઓ સાથે ઉચ્ચ સ્તરીય ચર્ચાઓ પર કેન્દ્રિત રહેશે. અમે નિયત સમયમાં તેની વધુ વિગતો આપીશું.’’
લંડનમાં ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું કે ‘’આ મુલાકાત દરમિયાન સંરક્ષણ અને સુરક્ષા, ઇન્ડો પેસીફીક એન્ડ વેસ્ટર્ન ઇન્ડિયન ઓશન રીજીયન (WIOR), વેપાર અને રોકાણો, આરોગ્ય સંભાળ, હવામાન પરિવર્તન સંબંધિત મુદ્દાઓ અને વ્યાપક ક્ષેત્રમાં ભાગીદારીને હકારાત્મક રૂપે પરિવર્તન લાવવામાં આવે તેવી અપેક્ષા છે. ગયા વર્ષ દરમિયાન કોવિડ-19 ઘટાડવાના પ્રયત્નો માટેનો ભારત-યુકેનો સફળ સહયોગ દ્વિપક્ષીય સંબંધમાં સિલ્વર લાઇન તરીકે ઉભરી આવ્યો છે. ઓક્સફર્ડ / એસ્ટ્રાઝેનેકા રસીના સંયુક્ત વિકાસ, ઉત્પાદન અને વિતરણમાં બન્ને દેશોને જોરદાર સફળતા મળી હતી.”
યુરોપિયન યુનિયન (ઇયુ)ના સભ્ય તરીકે બ્રેક્ઝિ-ટ પછી બ્રિટનના વૈશ્વિક જોડાણના ભાગ રૂપે, બધાની નજર ભારત સાથે સૂચિત એન્હેન્સ્ડ ટ્રેડ પાર્ટનરશિપ (ઇટીપી) પર છે જે ભવિષ્યમાં બન્ને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો માર્ગ બનાવશે.
બ્રિટીશ વડા પ્રધાન થેરેસા મે છેલ્લે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વાટાઘાટ માટે નવેમ્બર, 2016માં મળ્યા હતા. જે મુલાકાત ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સના વિઝા માટે બ્રિટન દ્વારા આયોગ્ય વલણ અપનાવાયું હોવાના દૃષ્ટિકોણને કારણે અસફળ ગણાતી હતી. જો કે આ મુલાકાત બંને દેશો વચ્ચે લોકોના પ્રવાહ માટે સુવ્યવસ્થિત અને ઉદાર બની રહે તેવી અપેક્ષા છે. ડાઉનિંગ સ્ટ્રીટે હજુ જોન્સનના એજન્ડાની વિગતો જાહેર કરી નથી.
ભારતના વડા પ્રધાન મોદી બોરિસ જોન્સનના વિશેષ અતિથિ તરીકે 11-13 જૂન દરમિયાન કોર્નવોલમાં યોજાનારી જી-7 સમિટમાં હાજરી આપે તેવી સંભાવના છે.