બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સને એમપી પદેથી પણ તાત્કાલિક અસરથી અમલમાં આવે તે રીતે રાજીનામું આપી દીધું છે, જેના પરિણામે બોરિસ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તે બેઠક ઉપરથી પેટા ચૂંટણી કરવી પડશે. 

પોતે વડાપ્રધાનપદે હતા ત્યારે ખાસ કરીને 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે કોવિડ-19 લોકડાઉન અને નિયંત્રણોના ગાળામાં યોજાયેલી પાર્ટીઓમાં કાયદા – નિયમોનો કોઈ ભંગ નહીં થયાનો દાવો બોરિસે હાઉસ ઓફ કોમન્સમાં કર્યો તેમાં બોરિસે સંસદને ગેરમાર્ગે દોરી હતી કે કેમ તેની તપાસ યોજી રહેલી સંસદીય તપાસના પગલે પોતાનું રાજકિય ભવિષ્ય બચાવવા સંઘર્ષ કરી રહેલા બોરિસ જોન્સને રાજીનામું આપ્યા પછી એક નિવેદનમાં જણાવ્યું હતું કેસાંસદ તરીકે અત્યારે વિદાય લેવાનો નિર્ણય લેતાં હું ખૂબજ ઉદાસ થયો છું. મુઠ્ઠીભર લોકો મને આ નિર્ણય લેવાની ફરજ પાડી રહ્યા છે, ખાસ કરીને તેઓ જે રીતે કોઈ આધારપુરાવા વિના પોતાના કથનો રજૂ કરી રહ્યા છે એ સંજોગોમાં આ નિર્ણય મારા માટે ખૂબજ કપરો છે. આવા લોકોના કથનોને ટોરી પાર્ટીના સભ્યોનું કે મારા વિસ્તારના મતદારોનું કોઈ પીઠબળ નથી.” 

સંસદની પ્રિવિલેજીસ કમિટી તેની તપાસમાં જો એવા તારણો ઉપર આવી હોત કે બોરિસ જોન્સને સંસદને ઈરાદાપૂર્વક કે બેફામપણે ગેરમાર્ગે દોરી હતી, તો બોરિસ જોન્સનને સંસદ સભ્યપદેથી 10 દિવસથી વધુના સમય માટે સસ્પેન્ડ કરવાની કમિટી ભલામણ કરે તેવી સંભાવના હતી, જેના કારણે બોરિસની સંસદીય બેઠક ઉપર પેટા ચૂંટણી યોજવાની ફરજ પડી હોત.  

બોરિસ જોન્સને કહ્યું હતું કે, તેમને પ્રિવિલેજીસ કમિટી તરફથી એક પત્ર મળ્યો હતો, જેમાં તેમના આશ્ચર્ય વચ્ચે કમિટીનો એવા સ્પષ્ટ ઈરાદો પ્રતિબિંબિત થતો હતો કે, તેઓ આ કાર્યવાહીનો ઉપયોગ કરી મને સંસદમાંથી બહાર હાંકી કાઢવા દ્રઢ નિશ્ચયી હતા. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ખાસ કરીને કમિટીના ચેરપર્સન અને મોટા ભાગના સભ્યોએ આ મામલે પુરાવાઓ જોયા તે પહેલા જ મારા દોષિત હોવા અંગે ઉંડા પૂર્વગ્રહયુક્ત નિવેદનો કર્યા હતા. હવે પાછુ વાળીને જોઉં તો મને એવું લાગે છે કે, આ કમિટીની કાર્યવાહી સ્હેજે હેતુપૂર્ણ, ઉપયોગી બની રહેશે કે વ્યાજબી અને ન્યાયી રહેશે એવું માનવું મારૂં ભોળપણ હતું.

LEAVE A REPLY