Boris-Johnson@Neaden-Temple

ભૂતપૂર્વ બ્રિટિશ પીએમ બોરિસ જૉન્સને પોતાના મિત્રો, સમર્થકો અને પાર્ટીગેટ કૌભાંડમાં સામેલ કેટલાક લોકો પર મન મૂકીને વરસ્યા હોવાનું અને તે સૌને વિવિધ પ્રકારના માન-મરતબો આપીને ખુશ કર્યા હોવાનું બહાર આવ્યું છે. આ યાદીમાં ડેમ પ્રીતિ પટેલ, સર જેકબ રીસ મોગ, સર માઈકલ ફેબ્રિકન્ટ, કુલવીર સિંઘ રેન્જર અને સર ગુટો હેરીનો સમાવેશ થાય છે. આ સન્માન યાદીમાં 38 સન્માન અને સાત પીઅરનો સમાવેશ થાય છે.

દેશની પરંપરા મુજબ પદ છોડી રહેલા વડા પ્રધાન પોતાની પસંદના લોકોને વિવિધ પ્રકારે માન બક્ષતા હોય છે જેમાં કેટલાક તો લોર્ડશીપ અને ડેમ જેવા પ્રતિષ્ઠીત પદો છે. જૉન્સનની આ સન્માન સૂચિ તેમણે સાંસદ તરીકે પદ છોડ્યાના કલાકો પહેલાં જાહેર થઇ છે. તેમનું ઓનર્સ લિસ્ટ પ્રકાશિત કરાતા જૉન્સનના સાથીદારો અને નજીકના મિત્રોની સંખ્યા જોતાં ખળભળાટ મચી ગયો છે. જૉન્સને પદ છોડ્યાના નવ મહિના પછી વડા પ્રધાન ઋષિ સુનકે તેને મંજૂરી આપી હતી.

જૉન્સને પોતાના ખાસ એવા બ્રિટિશ ભારતીય પૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને ડેમ્સ કમાન્ડર ઑફ ધ ઓર્ડર ઑફ ધ બ્રિટિશ એમ્પાયર તરીકે નિયુક્ત કર્યા હતા. પ્રીતિ પટેલ જૉન્સનના સૌથી વફાદાર સાથી હતા અને વડા પ્રધાન તરીકે લિઝ ટ્રસની નિમણૂક થાય તે પહેલાં તેમણે સપ્ટેમ્બર 2022માં પદ પરથી રાજીનામું આપ્યું હતું. જૉન્સને એમપી તરીકે રાજીનામુ આપ્યું તે પહેલાં ગયા અઠવાડિયે પટેલે જૉન્સનની પ્રશંસા કરી તેમને યુકેના “માર્ગારેટ થેચર પછીના ચૂંટણીમાં સૌથી સફળ વડા પ્રધાન” અને પોલિટીકલ ટાઇટન ગણાવ્યા હતા.

બીજી તરફ વેસ્ટ લંડનના હેમરસ્મિથમાં શીખ ઇમિગ્રન્ટ માતાપિતાને ત્યાં જન્મેલા કુલવીર સિંહ રેન્જરને હાઉસ ઓફ લોર્ડ્ઝમાં ઉન્નત કરાયા હતા. મે 2008માં મેયરની ચૂંટણી જીતનાર જૉન્સને તેમને ટ્રાન્સપોર્ટ પોલિસીના ડિરેક્ટર તરીકે પસંદ કર્યા હતા. રેન્જરે ટ્વીટ કરીને આ માન્યતા બદલ પરિવાર અને મિત્રો, શીખ સમુદાય અને ઉદ્યોગના ઘણા સાથીદારો અને ટોરી મિત્રોનો અને ખાસ કરીને જૉન્સનનો આભાર માન્યો હતો. 2011માં, રેન્જર પર્યાવરણ અને ડિજિટલ લંડનના નિયામક બન્યા હતા અને તેમના કામના પરિણામે બાઇક ચોરીમાં રેકોર્ડ ઘટાડો થયો હતો. તેઓ ડિજિટલ પોલીસી માટે યુકે સરકારના વિશેષ સલાહકાર પણ છે.

બહુમાન મેળવનારાઓમાં જોન્સનના ભૂતપૂર્વ ખાનગી સચિવ અને પાર્ટીગેટ કૌભાંડના મુખ્ય વ્યક્તિ સર માર્ટિન રેનોલ્ડ્સ પણ છે. ‘પાર્ટી માર્ટી’ નું હુલામણું નામ ધરાવનાર રેનોલ્ડ્સ લોકડાઉન દરમિયાન “સોશિયલી ડિસ્ટન્સ્ડ ડ્રિન્ક” માટે ઇમેઇલ આમંત્રણો મોકલવા માટે જવાબદાર હતા. હાઉસ ઓફ લોર્ડ્સના લાઇફ પીઅરેજમાં લોર્ડ શોન બેઈલી, લંડનના ભૂતપૂર્વ ટોરી મેયર, લોર્ડ બેન્જામિન હાઉચેન અને લોર્ડ રોસ કેમ્પસેલ જેવા નામાંકિત  લોકોનો સમાવેશ થાય છે. લોર્ડ હાઉચેન તાજેતરના મહિનાઓમાં ટીસવર્ક પ્રોજેક્ટના ભ્રષ્ટાચારના આરોપોમાં ફસાયેલા છે.

વર્તમાન સરકાર સાથે મહિનાઓ સુધી ચાલેલી માથાઝીંક પછી આ યાદી આખરે આવી, જેનું નામાંકન મંજૂર કરવું પડ્યું હતું.  ભૂતપૂર્વ કલ્ચરલ સેક્રેટરી નાદિન ડોરીસે તાત્કાલિક અસરથી સાંસદ તરીકે રાજીનામુ આપવાની જાહેરાત કરી તેના તેના એક કલાક પછી જ આ વાત બહાર આવી છે. તેમણે કહ્યું હતું કે આવા અદ્ભુત મતવિસ્તાર માટે સાંસદ તરીકે સેવા આપવી એ સન્માનની વાત છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે કોઈ નાની વયની વ્યક્તિની લગામ હાથમાં લે. શ્રીમતી ડોરીસને પડતી મૂકવામાં આવે તે પહેલાં સન્માનની સૂચિ માટે અગાઉ નામાંકિત કરવામાં આવી હતી.

ભૂતપૂર્વ વડા પ્રધાનના પિતા સ્ટેનલી જ્હોન્સન પણ નોમિનેશનમાંથી બાકાત કરવામાં આવ્યા હતા. લેબરના ડેપ્યુટી લીડર, સાંસદ  અને ડચી ઓફ લેન્કેસ્ટરના શેડો ચાન્સેલર એન્જેલા રેનરે સૂચિ વિશે જણાવ્યું હતું કે કોસ્ટ-ઓફ-લીવિંગ કટોકટીનો સામનો કરવાને બદલે ટોરીપક્ષની સરકાર નિયમ તોડનારાઓને છાવરવાનો પ્રયાસ કરનારાઓને પુરસ્કારો આપવામાં તેમનો સમય વીતાવી રહ્યુ છે.

“સમગ્ર બ્રિટન જ્યારે કોવિડની કટોકટીનો સામનો કરી રહ્યુ હતુ અને પોતાના સગાસંબંધીઓના મૃત્યુની પીડાનો સામનો કરી રહ્યુ હતુ તે સંજોગોમાં લોકડાઉન વખતે વડાપ્રધાન અને તેમના સાથીઓ પાર્ટીમાં વ્યસ્ત હતા અને તેઓ બૂઝ પાર્ટીઓનું આયોજન કરવા સાથે જોડાયેલા હતા તે બ્રિટિશરોનું અપમાન છે. હવે તેમના જ સહયોગી રિશી સુનાક બધું સંચાલન કરી રહ્યા છે. “પીઅરેજ માટે નામાંકિત વ્યક્તિઓએ સાંસદ તરીકેની તેમની ભૂમિકામાંથી રાજીનામું આપવું જોઈએ, પરંતુ આ ડેમહૂડ અને નાઈટહૂડથી સન્માનિત લોકોને આ બાબત લાગુ પડતી નથી.

LEAVE A REPLY