રોગચાળા અંગે જાહેર તપાસ માટે સબમિશન તૈયાર કરતી વખતે મળેલી માહિતીના આધારે કેબિનેટ ઑફિસે કોવિડ-19 રોગચાળા દરમિયાન લોકડાઉન નિયમોના સંભવિત ભંગ બદલ ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જૉન્સન અંગે પોલીસને જાણ કરી છે. જૉન્સનની ઑફિસે આ નવો કેસ રાજકીય રીતે પ્રેરિત હોવાનો આક્ષેપ કર્યો છે.
મિનિસ્ટર્સની ડાયરીઓમાં રોગચાળા દરમિયાન મિત્રો દ્વારા જૂન 2020 અને મે 2021 વચ્ચે ગ્રામીણ વિસ્તારમાં આવેલ વડા પ્રધાનના અન્ય નિવાસસ્થાન ચેકર્સની મુલાકાતોના પૂરાવા મળ્યા હતા.
લંડનની મેટ્રોપોલિટન પોલીસ અને થેમ્સ વેલી પોલીસે જણાવ્યું હતું કે તેઓ આ માહિતીનું મૂલ્યાંકન કરી રહ્યાં છે. રશિયાના આક્રમણ સામેની લડતમાં યુક્રેનના સૌથી પ્રખર સમર્થકોમાંના એક તરીકે જૉન્સન પોતાની પ્રોફાઇલ બનાવવા માટે આતુર છે. ટોરી પાર્ટીના કેટલાક લોકો તેમને મત ખેંચી લાવનાર વિજેતા તરીકે જુએ છે.
જૂન 2020માં ડાઉનિંગ સ્ટ્રીટમાં તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટેના કાર્યક્રમમાં હાજરી આપવા બદલ પોલીસ દ્વારા તેમને દંડ કરાયો હતો, જેના કારણે તેઓ કાયદાનો ભંગ કરનાર પ્રથમ વડા પ્રધાન બન્યા હતા.