બોરિસ જ્હોન્સન (Photo by Christopher Furlong/Getty Images)

યુકેના ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જોન્સને ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે કોવિડ કાયદાનો ભંગ કરતી પાર્ટીઓ અંગે બ્રિટિશ સંસદને “અજાણતામાં ગેરમાર્ગે દોરવા” બદલ ફરી એકવાર માફી માંગી છે. તા. 22ના રોજ બુધવારે હાઉસ ઓફ કોમન્સ પ્રિવિલેજ કમિટી દ્વારા જૉન્સનની કલાકો સુધી પૂછપરછ કરાઇ હતી.

તપાસ કમિટી સમક્ષ જૉન્સને જણાવ્યું હતું કે “હું અજાણતામાં આ ગૃહને ગેરમાર્ગે દોરવા બદલ માફી માંગુ છું, પરંતુ મેં તે અવિચારી રીતે અથવા જાણી જોઈને કર્યું છે તે સાચુ નથી. લોકડાઉન સમયગાળા દરમિયાન કૌભાંડના દાયરામાં આવતી ઘટનાઓ “આવશ્યક” હતી. કારણ કે ડાઉનિંગ સ્ટ્રીટ કામના સ્થળ અને રહેઠાણ તરીકે બમણી જવાબદારી સંભાળતું હતું.‘’

સત્ય કહેવા માટે બાઇબલ પર શપથ લીધા પછી, નવેમ્બર 2020ની ચોક્કસ ઘટના વિશે તેમણે કહ્યું હતું કે “હું માનું છું કે તે કામના હેતુઓ માટે એકદમ આવશ્યક હતું. તે મીટીંગ સામાજિક અંતરના નિયમો લાગુ હતા ત્યારે થઈ હતી. તે વખતે સ્ટાફના બે વરિષ્ઠ સભ્યો છૂટા થતા હતા. હું સ્વીકારું છું કે સંપૂર્ણ સામાજિક અંતરનું પાલન કરવામાં આવી રહ્યું નથી પરંતુ તેનો અર્થ એ નથી કે અમે જે કરી રહ્યા હતા તે માર્ગદર્શન સાથે અસંગત છે.”

જૉન્સને આકરી પૂછપરછ દરમિયાન વારંવાર આગ્રહ કર્યો હતો કે તેમના અધિકારીઓએ તેમને ખાતરી આપી હતી કે કોઈ નિયમો તોડવામાં આવશે નહીં અને કોઈએ તેમની સાથે કોઈ સમસ્યા ઊભી કરી નથી. તેમણે સ્વીકાર્યું હતું કે કોમન્સને જણાવવામાં ભૂલ થઈ હતી કે નં. 10 ડાઉનિંગ સ્ટ્રીટ પર માર્ગદર્શનનું “સંપૂર્ણપણે પાલન” કરવામાં આવ્યું હતું. જો કે પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો.

ક્રોસ-પાર્ટી કમિટીને મૌખિક પુરાવા દરમિયાન, તેમણે જણાવ્યું હતું કે ‘’નંબર 10 ડાઉનિંગ સ્ટ્રીટ પર સામાજિક અંતર રાખવું મુશ્કેલ હતું. કારણ કે તે એક “કચડાયેલું, સાંકડું 18મી સદીનું ટાઉનહાઉસ” છે. મારી પાસે દિવસે મળવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. કોવિડ સામેની અવિરત લડાઈમાં હું મૃત્યુ પામુ તે હદે બીમાર થયો હતો.’’

ત્રણ કલાકના સત્ર દરમિયાન, એવી ક્ષણો પણ આવી હતી જ્યારે જૉન્સન કાબુ ગુમાવી બેઠા હતા. આ કમિટી તેની તપાસ પૂર્ણ કરે તે પહેલા અઠવાડિયાનો સમય લેશે તેવી અપેક્ષા છે, જેમાં વધુ લેખિત અને મૌખિક પુરાવા પણ સંભવ છે. ત્યારપછી તે તેના તારણો સંસદમાં રજૂ કરશે અને તે પગલાં લેવા માટે સાંસદો માટે મતદાન કરશે.

LEAVE A REPLY