સેન્ટ્રલ લંડનના સેન્ટ પૉલ કેથેડ્રલ ખાતે શુક્રવારે યોજાયેલી પ્લેટિનમ જ્યુબિલી સર્વિસમાં જઇ રહેલા દેશના વડા પ્રધાન બોરિસ જૉન્સન અને તેમની પત્ની કેરીની બહાર રાહ જોઈ રહેલા લોકોની મોટી ભીડે બૂમો પાડી મજાક ઉડાવી હતી. જ્યારે કેટલાક લોકોએ તાળીઓ પાડીને તેમના આગમનને વધાવ્યું હતું. લોકોએ બીજા ભૂતપૂર્વ વડા પ્રધાનો ત્યાં પહોંચ્યા ત્યારે તેમનું હળવી તાળીઓ પાડી સ્વાગત કર્યું હતું.
કોવિડ લોકડાઉન દરમિયાન તેમના સ્ટાફ દ્વારા નિયમ ભંગ કરી પાર્ટીઓ યોજતા જૉન્સનને ઘણી વખત માફી માંગવાની ફરજ પડી હતી અને એક કાર્યક્રમમાં હાજરી આપવા બદલ પોલીસે દંડ પણ કર્યો હતો. જેને કારણે તેમની પ્રતિષ્ઠા ખરડાઇ હતી.
બ્રિટનના વિપક્ષી લેબર નેતા કેર સ્ટાર્મરે કહ્યું હતું કે ‘’વડા પ્રધાનને મજાકનો સામનો કરવો પડ્યો તે સરકાર વિશેની જનતાની લાગણી દર્શાવે છે. લોકો “સરકારથી કંટાળી ગયા છે અને તેઓ વધતા જતા ફુગાવા અને ભાવ વધારાને કાબૂમાં લેવામાં નિષ્ફળ ગયા છે.
કલ્ચરલ સેક્રેટરી ડોરીસે ઘટનાની સકારાત્મક બાજુ જોવા અને ત્યાં લોકોના ઉત્સાહને જોવા જણાવ્યું હતુ.
કેર સ્ટાર્મર સર્વિસમાં પહોંચ્યા ત્યારે ત્યાં મૌન છવાયેલું રહ્યું હતું.