દેશના વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને કોરોનાવાયરસ હોવાનુ આજે તા. 27ના રોજ બપોરે જાહેર કરવામાં આવ્યુ હતુ. તેઓ 11 ડાઉનિંગ સ્ટ્રીટ ઉપરના તેમના ફ્લેટમાં સાત દિવસ માટે સેલ્ફ આઇસોલેટ થયા છે. ગઈકાલે બપોરે તાવ અને ખાંસીના હળવા લક્ષણો લાગતા ઇંગ્લેન્ડના ચિફ મેડિકલ ઓફિસર પ્રોફેસર ક્રિસ વ્હ્ટીની વ્યક્તિગત સલાહને આધારે એન.એચ.એસ. સ્ટાફ દ્વારા નંબર 10માં તેમનો કોરોનાવાયરસ માટે ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તે ટેસ્ટ પરોઝીટીવ જણાયો હતો. આ સમાચારના એક કલાક બાદ તુરંત જ હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકને પણ કોરોનાવાયરસ હોવાનું બહાર આવ્યુ છે.
જ્હોન્સને એક ટ્વીટ કરી આ સમાચારોનો ખુલાસો કર્યો હતો અને જણાવ્યુ હતું કે ‘’હું આ કટોકટીમાં બીમાર હોવા છતાં પણ સરકારનું સતત નેતૃત્વ કરીશ જે ‘આધુનિક ટેકનોલોજીની જાદુગરી’ ને આભારી છે.’’ 55 વર્ષના જ્હોન્સનના જીવનસાથી કેરી સાયમન્ડ્સ સગર્ભા છે અને માનવામાં આવે છે કે તેઓ પણ સેલ્ફ આઇસોલેશન અંગે માર્ગદર્શનનું પાલન કરી રહ્યા છે.
વડાપ્રધાને ગઈકાલે રાત્રે ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે એનએચએસના સ્ટાફની કામગીરીને તાળીઓથી વધાવી હતી અને કૉમન્સમાં પ્રાઇમ મિનીસ્ટર ક્વેશ્ચન્સમાં પણ ભાગ લીધો હતો. વડાપ્રધાનને ચેપ લાગ્યા બાદ આશંકા ઉભી થઇ છે કે અન્ય રાજકારણીઓ અને વરિષ્ઠ અધિકારીઓને પણ ચેપ લાગ્યો હશે. કારણ કે વડાપ્રધાન સહિત રાજકારણીઓએ છેલ્લા કેટલાક દિવસોમાં સામ-સામે બેઠકો કરી હતી. જો કે નંબર 10 દ્વારા આગ્રહ કરવામાં આવ્યો હતો કે અન્ય પ્રધાનોએ આઇસોલેટ થવુ જરૂરી નથી.
પરંતુ ડાઉનિંગ સ્ટ્રીટ આગ્રહ રાખે છે કે જ્યાં સુધી તેઓ લક્ષણો દર્શાવવાનું શરૂ ન કરે ત્યાં સુધી અધિકારીઓના અન્ય મંત્રીઓની તપાસ કરવાની જરૂર નથી.
55 વર્ષના વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમને ફક્ત ‘હળવા’ લક્ષણો છે અને તેઓ વીડિયો-કોન્ફરન્સ દ્વારા રાષ્ટ્રીય પ્રતિસાદની આગેવાની લેશે. વડા પ્રધાન તેમના નંબર 11ના ફ્લેટમાંથી આજે સવારે ‘વોર કેબિનેટની બેઠક યોજી હતી.
હેલ્થ સેક્રેટરી હેનકોકે જાહેર કર્યું હતુ કે ‘’મને પણ વાયરસ છે પણ મારા લક્ષણો હળવા છે. હું સેલ્ફ આઇસોલેટ થયો છું અને ઘરેથી કામ કરી રહ્યો છું.’’
સરકાર લોકોને સલાહ આપે છે કે ભોગ બનનારના સ્વજનોએ 14 દિવસ સુધી સેલ્ફ આઇસોલેટ થવુ. પરંતુ ચાન્સેલર ઋષિ સુનક અને વડાપ્રધાનના મુખ્ય સહાયક ડોમિનિક કમિંગ્સ ગઈરાત્રે વડા પ્રધાન સાથે હતા પરંતુ તેઓ સેલ્ફ આઇસોલેટ થયા નથી. ડાઉનિંગ સ્ટ્રીટે આ અગાઉ કહ્યું હતું કે જો વડા પ્રધાન બીમારીને કારણે અસમર્થ હશે તો ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબ કાર્યભાર સંભાળશે.