બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સન અને લાંબા સમયની તેમની પાર્ટનર (પ્રેમિકા) કેરી સાયમન્ડ્સે શનિવારે તેમની સગાઇની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે ટુંક સમયમાં તેમના ઘરે એક સંતાન અવતરશે. દંપતિના પ્રવ કતાએ કહ્યું હતું કે સગાઇની જાહેરાત કરતા બંને ખૂબ ખુશ જણાતા હતા.
55 વર્ષના જોન્સન અને 32 વર્ષની કેરી બ્રિટનના વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રિટમાં ગયા વર્ષે રહેવા જનાર પ્રથમ અપરિણીત દંપતિ હતા.’ વડા પ્રધાન જોન્સન અને મિસ સાયમન્ડ તેમની સગાઇની જાહેરાત કરતાં ખૂબ જ આનંદ અનુભવે છે. તેઓ ઉનાળામાં સંતાનના માતા-પિતા પણ બનશે’એમ પ્રવકતાએ કહ્યું હતું.
સાયમન્ડ્સ બ્રિટનના 173 વર્ષના ઇતિહાસમાં વડા પ્રધાનની સૌથી યુવા (નાની) પાર્ટનર છે.જોન્સન અને ભારતીય મૂળના તેમના પત્ની મારિના વ્હીલરે છુટાછેડા લેવા તૈયારી દર્શાવી હતી એવું વર્ષની શરૂઆતમાં કોર્ટના દસ્તાવેજોમાંથી જાહેર થયા પછી જોન્સનના બીજા લગ્નની વાતો થવા લાગી હતી.છુટાછેડાની નાણાકીય વિગતો જાહેર કરાઇ નહતી.
અલગ થતાં પહેલાં 25 વર્ષ પહેલાં લગ્ન કરનાર જોન્સન અને વ્હીલરના ચાર પુખ્ત સંતાનો છે જેમાં લારા,મિલો,કેસી અને થીઓડોરનો સમાવેશ થાય છે. જોન્સનના આ ત્રીજા લગ્ન હશે. જોન્સન ઓક્સફર્ડ યુનિ.માં ભણતા હતા ત્યારે આલેગ્રાને મળ્યા હતા અને 1987માં બંને એ લગ્ન કરી લીધા હતા. આમ આલેગ્રા તેમના પ્રથમ પત્ની હતા.
તેમના લગ્નમાં ભંગાણ પડતા 1993માં તેઓ છુટા પડયા હતા અને એ જ વર્ષે જોન્સને વ્હીલર સાથે લગ્ન કર્યા હતા.વડા પ્રધાનપદે હોય અને બાળક જન્મ્યો હોય તેવા પ્રથમ વડા પ્રધાન હતા ડેવિડ કેમેરૂન. તેમના પત્ની હતા સામંતા કેમેરૂન હતા. વર્ષ 2010ના ઓગસ્ટ મહિનામાં આ દંપતિના ઘરે ફ્લોરેન્સ રોઝ એન્ડેલિઓનનો જન્મ થયો હતો.
લાયમન્ડસ અને જોન્સનની પહેલી મુલાકાત એ વખતે થઇ હતા જ્યારે સાયમન્ડસ કન્ઝરવેટિવ પક્ષના પ્રસારણ વિભાગના વડા હતા. હવે તેઓ સમુદ્રના સંવર્ધન માટે કામ કરે છે અને તાજેતરમાં એવા અહેવાલો મળ્યા હતા કે તેમને ડાઉનિંગ સ્ટ્રિટના પ્રથમ મહિલા નિમવામાં આવ્યા હતા.
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને તેમની પાર્ટનર કેરી સાયમન્ડસને ગયા વર્ષે જ લગ્નની દરખાસ્ત કરી હતી, એમ વિધીવત સગાઇની જાહેરાત કરાયા પછી તેમના ગર્ભવતી પત્નીએ સોશિયલ મીડિયામાં પોતાના મિત્રોને કહ્યું હતું.ચાલુ મહિનામાં 32 વર્ષમાં પ્રવેશનાર કેરી સાયમન્ડસએ કહ્યું હતું કે આશરે જૂન મહિનામાં તેમનો બાળક જન્મ લેશે.
પોતાના ખાનગી ઇનસ્ટાગ્રામ એકાઉન્ટમાં કરેલી પોસ્ટમાં કેરીએ કહ્યું હતું ‘સામાન્ય રીતે આ પ્રકારની પોસ્ટ હું કરતી નથી,પરંતુ મારા મિત્રોને આ સમાચાર આપવા હતા એટલે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કર્યો હતો.તમારા પૈકી અનેક લોકો આ વાતને જાણતા હશે, પરંતુ હજુ પણ મારા કેટલાક મિત્રોને આની ખબર નથી.ગયા વર્ષે અમે સગાઇ કરી હતી અને ચાલુ વર્ષે ઊનાળામાં અમને એક સંતાન પણ મળશે’.
