ભારત સરકારે ૧૮-૫૯ વર્ષના લોકોને ફ્રી બૂસ્ટર ડોઝની મંજૂરી આપી છે. સરકારે બુધવારે જણાવ્યું હતું કે, ૭૫ દિવસની આ ઝુંબેશ ૧૫ જુલાઇથી શરૂ થશે અને લોકો સરકારી વેક્સિનેશન કેન્દ્રો પરથી પ્રિકોશન ડોઝ મેળવી શકશે.
સરકારે જણાવ્યું હતું કે, નિર્ણયનો હેતુ કોરોનાના પ્રિકોશન ડોઝની સંખ્યા વધારવાનો છે. સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠને સરકાર ‘આઝાદીના અમૃત મહોત્સવ’ તરીકે ઉજવી રહી છે અને આ વેક્સિનેશન ઝુંબેશ પણ તેનો જ ભાગ હશે. આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ એક ટિ્વટમાં જણાવ્યું હતું કે, “આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ૧૮ વર્ષ અને વધુ વયના તમામ નાગરિકોને ૧૫ જુલાઇથી ૭૫ દિવસ સુધી સરકારી રસીકરણ કેન્દ્રોમાં પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. તે પુખ્ત વયના તમામ લોકોને વાઇરસ સામે રક્ષણ આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “૧૮ વર્ષથી વધુ વયના તમામ નાગરિકોને ફ્રી પ્રિકોશન ડોઝ આપવાના સરકારના નિર્ણયથી વધુ લોકોને રસીકરણ હેઠળ આવરી લેવાશે અને દેશને વધુ સ્વસ્થ બનાવવામાં મદદ મળશે. વેક્સિનેશન કોવિડ-૧૯ સામે લડવા માટેનું અસરકારક હથિયાર છે.
માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે, “નિર્ણયને પગલે કોવિડ-૧૯ સામે ભારતની લડત વધુ મજબૂત બનશે અને સુરક્ષાનું વધુ એક સ્તર ઉમેરાશે. હું તમામ લોકોને વહેલી તકે પ્રિકોશન ડોઝ લેવા વિનંતી કરું છું.” ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં ૧૮-૫૯ વર્ષના ૭૭.૧૦ કરોડ લોકોની ટાર્ગેટ વસ્તીમાંથી એક ટકા કરતાં પણ ઓછા લોકોએ પ્રિકોશન ડોઝ લીધો છે. જોકે, ૬૦ વર્ષ અને વધુ વયના ૧૬.૮૦ કરોડ લોકો તેમજ હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સમાંથી ૨૫.૮૪ ટકાને બૂસ્ટર ડોઝ અપાઈ ચૂક્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે, “ભારતની મોટા ભાગની વસ્તીને ૯ મહિના પહેલાં બીજો ડોઝ મળી ચૂક્યો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્સ (ICMR) અને અન્ય આંતરરાષ્ટ્રીય રિસર્ચ સંસ્થાઓના જણાવ્યા અનુસાર બીજા ડોઝ પછી છ મહિનામાં એન્ટિબોડીનું પ્રમાણ ઘટવા માંડે છે. આ સ્થિતિમાં બૂસ્ટર ડોઝ રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
સરકારી ડેટા અનુસાર દેશની કુલ વસ્તીના ૯૬ ટકા લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અને ૮૭ ટકા લોકોને બંને ડોઝ અપાઈ ચૂક્યા છે. ભારતે ચાલુ વર્ષે ૧૦ એપ્રિલથી ૧૮ વર્ષથી વધુ વયના તમામ લોકોને પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરી હતી. અત્યારે ૬૦ વર્ષ અને વધુ વયના તમામ નાગરિકો તેમજ હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સને સરકારી આરોગ્ય કેન્દ્રોમાં વિના મૂલ્યે પ્રિકોશન ડોઝ અપાય છે.
દેશમાં કોરોનાના નવા 16,906 કેસ: 45 લોકોનાં મૃત્યુ
ભારતમાં બુધવારે કોરોનાના નવા ૧૬,૯૦૬ કેસ નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ૨૪ કલાકમાં વધુ ૪૫ લોકોના મૃત્યુ સાથે કોરોનાનો મૃત્યુઆંક ૫,૨૫,૫૧૯ થયો છે. દેશમાં ૧,૪૧૪ કેસની વૃદ્ધિ સાથે કુલ એક્ટિવ કેસ ૧,૩૨,૪૫૭ થયા છે. તે કુલ સંક્રમણના ૦.૩ ટકા છે. કોરોનાનો રિકવરી દર ૯૮.૪૯ ટકા રહ્યો છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૩.૬૮ ટકા અને સાપ્તાહિક પોઝિટિવિટી દર ૪.૨૬ ટકા છે. અત્યાર સુધીમાં કોરોના વેક્સિનના કુલ ૧૯૯.૧૨ કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે.