ભારતમાં કોરોના વેક્સિનના બે ડોઝ બાદ હવે સરકારે બૂસ્ટર ડોઝની જાહેરાત કરી છે. દેશમાં 10 એપ્રિલથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો પ્રાઈવેટ વેક્સિનેશન સેન્ટર પરથી પ્રીકોશન એટલે કે બૂસ્ટર ડોઝ ઉપલબ્ધ બનશે, એવી આરોગ્ય મંત્રાલયે શુક્રવારે જાહેરાત કરી હતી. જોકે અગાઉના બે ડોઝની જેમ આ બૂસ્ટર ડોઝ ફ્રી નહીં હોય.
18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બૂસ્ટરની જાહેરાત કરતા કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે 18 વર્ષથી વધુ ઉંમરના છે અને કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધાના 9 મહિના થઈ ગયા છે તેઓ પ્રીકોશન ડોઝ લઈ શકશે. આ સુવિધા તમામ પ્રાઈવેટ વેક્સિનેશન સેન્ટર પર પણ ઉપલબ્ધ હશે
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, સરકારી વેક્સિનેશન સેન્ટર પર પ્રથમ અને બીજા ડોઝ માટે ફ્રીમાં વેક્સિનેશનનો કાર્યક્રમ અગાઉની માફક ચાલુ રહેશે. આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને પ્રીકોશન ડોઝ આપવાનું પણ ચાલુ રહેશે.
સરકારે જણાવ્યું કે 15 વર્ષથી વધારે ઉંમરની દેશની 96 ટકા વસ્તીને કોરોનાની વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ અપાઈ ગયો છે જ્યારે 83 ટકા 15+ વસ્તીને વેક્સિનના બંને ડોઝ મળી ગયા છે.
ડબલ્યુએચઓના ચીફ સાયન્ટિસ્ટ ડો. સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું હતું કે કોરોનાનો XE વેરિયન્ટ ડેલ્ટા જેટલો પ્રભાવી નથી. ભારતમાં મોટાભાગના લોકોને કોરોનાની રસી અપાઈ ચૂકી છે. નવા વેરિયન્ટને લઈને પ્રાથમિક આંકડાઓના આધારે કહી શકાય કે તે બીજા વેરિયન્ટ કરતા 10 ટકા વધુ ચેપી છે. ડો. સૌમ્યાનું કહેવું છે કે, અમે હજુ પણ XE વેરિયન્ટનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરી રહ્યા છીએ અને વધુ જાણકારી મળી રહ્યા છે. હજુ સુધી ડરવાની જરૂર નથી, કેમકે તે વધુ ગંભીર બીમારીનું કારણ નથી બની રહ્યો. જેને વેક્સીન મૂકાઈ ગઈ છે, તેમાં શરૂઆતના કોઈ ગંભીર લક્ષણ દેખાઈ નથી રહ્યા