ભારતમાં કોરોના વેક્સિનના બે ડોઝ બાદ 10 એપ્રિલથી 18 વર્ષની ઉંમરના તમામ લોકો માટે બૂસ્ટર ડોઝનો પ્રારંભ થયો હતો. દેશમાં 10 એપ્રિલથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે પ્રાઈવેટ વેક્સિનેશન સેન્ટર પરથી પ્રિકોશન એટલે કે બૂસ્ટર ડોઝ ઉપલબ્ધ બન્યો હતો. જોકે અગાઉના બે ડોઝની જેમ આ બૂસ્ટર ડોઝ ફ્રી નહીં હોય
બૂસ્ટરની જાહેરાત કરતા મંત્રાલયે જણાવ્યું હતું કે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધાના 9 મહિના થઈ ગયા છે તેઓ પ્રિકોશન ડોઝ લઈ શકશે. આ સુવિધા તમામ પ્રાઈવેટ વેક્સિનેશન સેન્ટર પર પણ ઉપલબ્ધ હશે.
આ જાહેરાત બાદ વેક્સિન કંપની સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાએ જણાવ્યુ હતું કે કોવિશીલ્ડ વેક્સિનનો પ્રિકોશન ડોઝનો ભાવ રૂ.600 રહેશે. લોકોએ બૂસ્ટર ડોઝ માટે રૂ.600ની ચુકવણી કરવી પડશે. હોસ્પિટલને ડિસ્કાઉન્ટ ભાવે વેક્સિનનો સપ્લાય મળશે.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, સરકારી વેક્સિનેશન સેન્ટર પર પ્રથમ અને બીજા ડોઝ માટે ફ્રીમાં વેક્સિનેશનનો કાર્યક્રમ અગાઉની માફક ચાલુ રહેશે. આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને પ્રીકોશન ડોઝ આપવાનું પણ ચાલુ રહેશે.સરકારે જણાવ્યું કે 15 વર્ષથી વધારે ઉંમરની દેશની 96 ટકા વસ્તીને કોરોનાની વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ અપાઈ ગયો છે જ્યારે 83 ટકા 15+ વસ્તીને વેક્સિનના બંને ડોઝ મળી ગયા છે.
બૂસ્ટર ડોઝ માટે વેક્સિનના ભાવ ઉપરાંત રૂ.150 સર્વિસ ચાર્જ ચુકવવો પડશે
કેન્દ્ર સરકારે રાજ્યોને માહિતી આપી છે કે કોરોનાના બૂસ્ટર ડોઝમાં અગાઉના બે ડોઝમાં જે વેક્સિન લીધી હશે તે જ વેક્સિન આપવામાં આવશે. એટલે કે અગાઉના બે ડોઝમાં કોવિશીલ્ડ લીધી હશે તો કોવિશીલ્ડ જ આપવામાં આવશે. આ ઉપરાંત બૂસ્ટર ડોઝ માટે ખાનગી વેક્સિનેશન સેન્ટર્સ વેક્સિનના ખર્ચ ઉપરાંત સર્વિસ ચાર્જ તરીકે મહત્તમ રૂ.150 વસૂલ કરી શકશે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય સચિવ સાથેની બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે પ્રિકોશન ડોઝ માટે નવેસરથી રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી, કારણ કે તમામ લાભાર્થી કોવિન પ્લેટફોર્મમાં અગાઉથી રજિસ્ટ્રર થયેલા છે. અગાઉ કેન્દ્ર સરકારે 10 એપ્રિલથી 18 વર્ષથી ઉંમરના અને બીજા ડોઝને નવ મહિના થઈ ગયા હોય તેવા તમામ લોકો માટે ખાનગી વેક્સિનેશન સેન્ટર પર બૂસ્ટર ડોઝ લઈ શકશે.