બુકર પ્રાઇઝ 2020 માટે દુબઇ સ્થિત ભારતીય મૂળની લેખિકા અવની દોશી સહિતના છ લેખકોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. અવની દોશીની પ્રથમ નવલકથા બર્ન્ટ સુગર માટે તેમને સાહિત્યના આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.
બ્રિટન કે આયર્નલેન્ડમાં ઓક્ટોબર 2019થી સપ્ટેમ્બર 2020 દરમિયાન પ્રકાશિત થયેલી અને શોર્ટલિસ્ટ કરવામાં આવેલી 13 નવલકથાના ફરી મૂલ્યાંકન બાદ મંગળવારે લંડનમાં છ ઉમેદવારની યાદી વર્ચ્યુઅલી જારી કરવામાં આવી હતી. વિજેતા લેખકને નવેમ્બરમાં 50,000 પાઉન્ડનો પુરસ્કાર મળશે.
અવની દોશીનો જન્મ અમેરિકામાં થયો હતો અને હાલમાં દુબઈમાં રહે છે. દોશીની આ પ્રથમ નવલકથાને ભારતમાં ગર્લ ઇન વ્હાઇટ કોટનના નામથી પ્રકાશિત કરવામાં આવી હતી. જુલાઇમાં આ નોવેલ બ્રિટનમાં પ્રકાશિત કરવામાં આવી હતી.
આ પ્રાઇઝ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવેલી બીજા નવલકથામાં ડિયેન કૂકની ન્યૂ વાઇલ્ડરનેસ, ઝિમ્બાબ્વેના લેખક ત્સિત્સી ડેન્ગેરેમ્બગાની ધીસ મોર્નેબલ બોડી, માઝા મેન્જિસ્ટેની શેડો કિંગ, ડગ્ગાલ સ્ટુઅર્ટની શુગી બૈન અને બ્રેન્ડોન ટેયરની રિયલ લાઇફનો સમાવેશ થાય છે.