Book Review – War of Lanka – Amish Tripathi

‘વૉર ઑફ લંકા’ પુસ્તક એ એપિક બ્લોકબસ્ટર રામ ચંદ્ર શ્રેણીનું ચોથું પુસ્તક છે. લેખક અમિષ ત્રિપાઠી દ્વારા લખાયેલ આ પુસ્તકમાં રાજા રામ દ્વારા માતા સીતાજીને મુક્ત કરાવવા માટે કરવામાં આવેલ યુધ્ધ અને તેની આજુબાજુની વાતો આગવી રીતે વણી લેવાઇ છે. આપણે સૌ બાળપણથી રામાયણની વાતો સાંભળીને કે વાંચીને મોટા થયા છીએ. એટલે આપણને કદાચ તેની કથા ખબર હશે. પરંતુ અમિષે જે નિરુપણ કર્યું છે તે અદભૂત છે. 3400 બીસીઇ પહેલાના ભારતની વાતો આ પુસ્તકમાં રજૂ થઇ છે. લોભ, ક્રોધ, દુઃખ અને પ્રેમ શું છે તે જણાવાયું છે. યુદ્ધ શરૂ થવાની રાહ જોવાઈ રહી છે. પરંતુ આ યુદ્ધ અલગ છે. આ યુધ્ધ ધર્મ માટેનું છે. સૌથી મહાન દેવી માટેનું છે.

સીતાજીનું અવિચારી રીતે રાવણે અપહરણ કર્યું હતું. સીતાજીએ રાવણને મારવા માટે હિંમત કરી હતી. પરંતુ બીજી તરફ તેમના મનમાં એમ પણ હતું કે તેઓ રામને શરણાગતિ સ્વીકારવી પડે તેના કરતા મરી જવાનું પસંદ કરશે. બીજી તરફ રામ દુઃખ અને ક્રોધ સાથે વ્યથીત છે. તેઓ યુદ્ધની તૈયારી કરે છે. બીજી તરફ રાવણને લાગે છે કે તે અજેય છે અને બહુ તો તે રામ સાથે વાટાઘાટો કરશે અને શરણાગતિ માટે દબાણ કરશે. પરંતુ તેને ખબર જ ન હતી કે આ યુધ્ધમાં તેનો અંત આવવાનો છે? રામ રાવણ વચ્ચેના યુધ્ધનો એક અલગ જ અંદાજ વાંચવા આ પુસ્તક વાંચવુ ખૂબ જ જરૂરી છે.

પુસ્તક સમિક્ષા

  • ‘અમિષ ભારતના મહાન વાર્તાકારોમાંના એક છે, સર્જનાત્મક, કલ્પનાશીલ, તેથી તમારે પાન ફેરવવું જ પડશે.’ – જેફરી આર્ચર ‘
  • અમિષ ભારતના ટોલ્કીન અને એશિયાના પાઉલો કોએલ્હો છે.’ – બીબીસી
  • અમિષના લખાણોએ ભારતના સમૃદ્ધ ભૂતકાળ અને સંસ્કૃતિ વિશે અપાર ઉત્સુકતા પેદા કરી છે.’ – નરેન્દ્ર મોદી, ભારતના વડાપ્રધાન
  • અમિષનું પુસ્તક ઉત્તેજક, શોષક અને માહિતીપ્રદ છે.’ – અમિતાભ બચ્ચન

લેખક પરિચય

એક બેંકરમાંથી ફૂલટાઇમ નવલકથાકાર બનેલા 48 વર્ષના અમિષ ત્રિપાઠીની ભારતના વિદેશ મંત્રાલય દ્વારા ગત વર્ષે ભારતીય હાઈ કમિશનની સાંસ્કૃતિક પાંખ નેહરુ સેન્ટર, લંડનના ડાયરેક્ટર તરીકે ત્રણ વર્ષ માટે વરણી કરાઇ હતી જેમાં હવે બે વર્ષનો વધારો કરાયો છે. બે મહિના પહેલા તેમને હાઈ કમિશનમાં મિનિસ્ટર ઓફ એજ્યુકેશન તરીકે વધારાની જવાબદારી સોંપાઇ હતી. તેમણે લખેલા શિવ ટ્રાયોલોજી અને રામચંદ્ર સીરીઝના 6.5 મિલિયન પુસ્તકો ભારતમાં વેચાયા હોવાનો અંદાજ છે.

તેમના પ્રથમ પુસ્તક, ધ ઈમોર્ટલ્સ ઓફ મેલુહા (શિવા ટ્રાયોલોજીનું પુસ્તક 1) ની સફળતાએ તેમને લેખન પર ધ્યાન કેન્દ્રિત કરવા પોતાની કારકિર્દી છોડી દેવા પ્રોત્સાહિત કર્યા હતા. તેઓ ટીવી ડોક્યુમેન્ટ્રીના હોસ્ટ અને ફિલ્મ નિર્માતા પણ છે. અમિષ ઇતિહાસ, પૌરાણિક કથાઓ અને ફિલસૂફીમાં રસ ધરાવે છે અને વિશ્વના તમામ ધર્મોમાં સુંદરતા અને અર્થ શોધે છે. તેમના પુસ્તકોનો 20થી વધુ ભાષાઓમાં અનુવાદ થયો છે. તો તેમણે 10 પુસ્તકો લખ્યા છે. ફોર્બ્સ ઇન્ડિયાએ અમિષને ભારતની ટોચની 100 સૌથી પ્રભાવશાળી હસ્તીઓમાં સ્થાન આપ્યું છે. 2014 માં, અમિષને આઇઝનહોવર ફેલો તરીકે પણ પસંદ કરવામાં આવ્યા હતા. તેમને 2021માં યુકેમાં ટ્વેન્ટીફર્સ્ટ સેન્ચ્યુરી આઇકોન એવોર્ડ અને 2022માં તેની નવલકથા સુહેલદેવ માટે ગોલ્ડન બુક એવોર્ડ એનાયત કરાયો હતો. હવે અમિશના 8 ફિક્શન ટાઇટલ હવે યુકેમાં ખરીદવા માટે ઉપલબ્ધ છે.

Book: War of Lanka

Author: Amish Tripathi

Publisher: Harper Collins

Price: £10.99

‘વૉર ઑફ લંકા’ પુસ્તકના વિજેતા બનો

‘ગરવી ગુજરાત’ના વાચકો પણ ‘વૉર ઑફ લંકા’ પુસ્તકની નકલ મેળવી શકે તે માટે અમે એક સ્પર્ધાનું આયોજન કર્યું છે. જેમાં સાચો ઉત્તર આપનાર પ્રથમ પાંચ વાચકોને આ પુસ્તકની એક બુક ભેટ તરીકે મોકલવામાં આવશે.

પ્રશ્ન: આ પુસ્તકના લેખકનું નામ જણાવો?

જવાબ: ……………………………………………..

આપના જવાબ શ્રીમતી દક્ષા ગણાત્રાને તા. 22 એપ્રિલ 2023 પહેલા તેમના ઇમેઇલ [email protected] પર મોકલવા વિનંતી છે.

LEAVE A REPLY