લેસ્ટરના બેલગ્રેવની વિખ્યાત બોબીઝ રેસ્ટોરંટ એક સામાન્ય રેસ્ટોરન્ટની નહિં પણ એક અસાધારણ પરિવાર દ્વારા વર્ષોની મહેનત કરી બનાવાયેલી એવી રેસ્ટોરંટ છે જેણે લેસ્ટરના લેન્ડસ્કેપનો એક મૂલ્યવાન ઓળખ આપી છે.
અવનવી રેસીપી ધરાવતુ પુસ્તક ‘કૂક વિથ લવ’ એ બોબીના સ્થાપક ‘મંગળા બા’ને અપાયેલી અપ્રતિમ અંજલિ છે. તેમણે બનાવેલું રેસ્ટોરન્ટ ઇસ્ટ મિડલેન્ડ્સ જ નહીં યુકેના તમામ લોકોને પ્રિય છે. એ મંગળા બાના પુત્રવધૂ એન્ના લાખાણીએ ખૂબ જ પ્રિય ગોલ્ડન માઇલ રેસ્ટોરન્ટની અવિશ્વસનીય યાત્રા પુસ્તક સ્વરૂપે રજૂ કરી છે.
હાલની તારીખે પણ એન્ના લાખાણી તેમના પ્રિય સાસુના પગલે ચાલે છે અને તેમના જેવી જ સોડમથી ભરપૂર ડીશીઝ બોબીઝમાં મળે છે. જેના આસ્વાદ માટે લોકો તેમની રેસ્ટોરન્ટમાં ઉમટે છે. આ પુસ્તક પણ તેમના પ્રેમનું પ્રતિક છે.
આ પુસ્તક જાતે સહેલાઇથી બનાવી શકાય તેવી સરળ વાનગીઓથી ભરપૂર છે. જે શિખાઉ વ્યક્તિને નવા કૌશલ્યથી સજ્જ કરે છે તો અનુભવી કૂકને સુધરવામાં મદદ કરે છે. આ પુસ્તક ચોક્કસપણે સમગ્ર યુકેના રસોડાઓમાં જાદુ પાથરશે.
આ પુસ્તક ગુજરાતથી યુગાન્ડા થઈને, આખરે યુકેમાં સ્થાયી થયેલા લાખાણી પરિવારની સફરને પ્રતિબિંબિત કરતી વાર્તા છે. આ પુસ્તક એન્ના, તેમના પતિ ધર્મેશ અને બે પુત્રો અર્જુન અને કરણ તેમજ 10 પરિવારજનોની મહેનતનું ફળ છે.
બોબીઝની સ્થાપના 15 વર્ષ પહેલા મરણ પામેલા મંગળા બાના પતિ ભગવાનજીભાઇ લાખાણી દ્વારા 1976માં કરાઇ હતી. જેઓ 1970ના દાયકાની શરૂઆતમાં યુગાન્ડાથી ઇદી અમીને હાંકી કાઢતા લેસ્ટર આવ્યા હતા. બોલીવૂડ મૂવી ‘બોબી’ના નામથી શરૂ કરાયેલ આ રેસ્ટોરંટ દેશની પ્રથમ ગુજરાતી રેસ્ટોરન્ટ્સમાંની એક હતી.
Book: Cook With Love
Author: Enna Lakhani
Publisher : A Way With Media
Price: £30.00
કુક વિથ લવ પુસ્તકના વિજેતા બનો
‘ગરવી ગુજરાત’ના વાચકો પણ આ પુસ્તકની નકલ મેળવી શકે તે માટે અમે એક સ્પર્ધાનું આયોજન કર્યું છે. જેમાં સાચો ઉત્તર આપનાર પ્રથમ પાંચ વાચકોને આ પુસ્તકની એક બુક ભેટ તરીકે મોકલવામાં આવશે.
પ્રશ્ન: આ પુસ્તકના લેખનું નામ જણાવો?
જવાબ: ……………………………………………..
આપના પ્રશ્નોના જવાબ તા. 25 જૂન પહેલા ઈમેલ એડ્રેસ [email protected] પર મોકલવા વિનંતી છે.
સુરભીના રસાવાળા મૂઠીયા
મૂઠીયા
- 500 ગ્રામ રાંધેલા ભાત (180 ગ્રમ સુકા ચોખા લેવા)
- અડધો ટી-સ્પૂન લાલ મરચાનો પાઉડર
- 3 ટેબલસ્પૂન તેલ
- 125 ગ્રામ રોટલીનો લોટ
- 1 ટેબલસ્પૂન ચણાનો લોટ
- નમક
- 2 ટીસ્પૂન ધાણાજીરૂ પાઉડર
- 1/4 ટીસ્પૂન હળદર પાઉડર
- ¾ ટીસ્પૂન તાજા લીલા મરચાની પેસ્ટ
- 1 ટીસ્પૂન ખાંડ
મિશ્રણ માટે:
- ½ ટીસ્પૂન રાઇના દાણા
- ½ ટીસ્પૂન મેથીના દાણા
- 1 સુકુ લાલ મરચુ
- 2 ટેબલસ્પૂન તેલ
- દોઢ ટીસ્પૂન ધાણાજીરૂ પાઉડર
- નમક
- ½ ટીસ્પૂન આદુની પેસ્ટ
- 1/4 ટીસ્પૂન હળદર પાઉડર
- 250 ગ્રામ ગ્રીક યોગર્ટ
- 2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર
- ½ ટેબલસ્પૂન ખાંડ (નાંખવી હોય તો)
તૈયારીનો સમય: 40 મિનીટ
રસોઇનો સમય: 30 મિનીટ
સર્વિંગ: 4 લોકો માટે
રીત:
પહેલા ભાત બનાવો અને તેને ઠંડો થવા દો. મૂઠીયા બનાવતા પહેલા ભાત ઠંડો થાય તે જરૂરી છે.
એક મોટા મીક્સીંમગ બૉલમાં ઠંડો ભાત અને રોટલીનો લોટ, ચણાનો લોટ, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરૂ પાઉડર, હળદર, મરચાની પેસ્ટ, ખાંડ, તેલ અને દોઢ ટીસ્પૂન નમક મિક્સ કરો.
ધીમે ધીમે 50 એમએલ પાણી ધીમેથી તેમાં ઉમેરતા જાવ અને તેની કણક બનાવો (હાથથી મિક્સ કરીને બનાવશો તો આસાન રહેશે)
તે પછી તમારા હાથ વડે તે લોટના નાના 3 સેમ્ટીમીટર લાંબા નળાકારના મૂઠીયા બનાવો. (આ માટે તમારા હાથમાં અવારનવાર થોડું તેલ લેતા રહેજો જેથી તેનો લોટ ચોંટી ન જાય)
આ રીતે તમારા તમામ મૂઠીયા બનાવી દો.
તે પછી એક મોટા તાંસળામાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરો.
તેમાં સુકુ લાલ મરચુ, રાઇના દાણા અને મેથીના દાણા નાંખો. તે તતડી જાય ત્યાં સુધી રાહ જુઓ.
તેમાં 700 ગ્રામ પાણી ધીમેથી ઉમેરો. (ગરમ તેલમાં પાણી નાંખતી વખતે કાળજી રાખજો, શરૂઆતમાં તે તમારા પર ઉડી શકે છે. )
તે પછી તેમાં ધાણાજીરૂ પાઉડર, 1 ટીસ્પૂન નમક, આદુની પેસ્ટ અને હળદર નાંખી બરાબર મિક્સ કરો.
પાણી ઉકળવા લાગે એટલે ગેસની આંચ ધીમી કરી તેમાં એક પછી એક મૂઠીયા નાંખો. જેથી તે તૂટી ન જાય.
તેને 10 મિનિટ સુધી ચઢવા દો.
બીજે એક બૉલમાં દહીને સ્મૂધ ન થાય ત્યાં સુધી વ્હિસ્ક કરો. તે પછી તેને સમારેલા કોથમિર સાથે મૂઠીયાના પેનમાં ઉમેરો.
તેને યોગર્ટ સાથે સતત મિક્સ કરતા રહો અને તે વખતે આંચ ધીમી રાખો જેથી તે દાઝી ન જાય.
તે પછી તેમાં ખાંડ નાંખી મિક્સ કરો.
તેનો સોસ જાડો ન થાય ત્યાં સુધી ફરીથી 7-8 મિનિટ સુધી રાંધો અને પછી સર્વ કરો.
મેંગો શ્રીખંડ
સામગ્રી:
720 ગ્રામ ગ્રીક યોગર્ટ
240 ગ્રામ મેંગો પલ્પ –પાકેલી કેરીના સમારેલા ટૂકડા મળે તો ઉત્તમ.
80 ગ્રામ ખાંડ
1/4 ટેબલસ્પૂન ઇલાયચીનો પાઉડર
2 ટેબલસ્પૂન સમારેલી બદામ અને પીસ્તા
2 ચપટી કેસર
તૈયારીનો સમય: 15 મિનિટ તેમજ રાતભરની તૈયારી
સર્વિંગ: 6 લોકો માટે
રીત:
દહીંને તૈયાર કરવા માટે પાતળા ધોતી કે ચીઝક્લોથને એક સ્ટ્રેઇનર પર પાથરો. દહીંને તે કપડામાં નાંખો. એક બૉલને તે સ્ટ્રેઇનરની નીચે મૂકો જેથી વધારાનું પાણી તેમાં ભરાય.
તે પછી કપડામાં ભરાયેલા દહીંમાથી દબાણ કરીને વધારાનું પાણી નીતારી લો. તે પછી દહીંને તે જ સ્ટ્રેઇનરમાં મૂકી તેના નીચે બૉલ મૂકી ફ્રીજમાં જામવા માટે મૂકી દો. જેથી રાતભર તેમાંથી વઘારાનું પાણી નીતરી જશે.
હવે હહીં થોડુ ધટ્ટ થઇ જશે.
બીજી સવારે દહીંને રેફ્રજરેટરમાંથી કાઢીને મોટા મિક્સીંગ બૉલમાં નાંખો.
તેમાં કેરીનો પલ્પ, ખાંડ, કેસર અને ઇલાયચીનો પાઉડર નાંખો. જ્યાં સુધી ખાંડ પૂરેપૂરી મિક્સ ન થાય ત્યાં સુધી તે મિશ્રણને હલાવતા રહો.
તે પછી તેના પર નટ્સ અને કેરીના સમારેલા ટૂકડા નાંખીને ઠંડો મેંગો શ્રીખંડ પિરસો.