ડેમ આશા ખેમકા DBE OBE DL દ્વારા લખાયેલા અત્મકથાનક – પુસ્તક ‘ઇન્ડિયા મેડ મી બ્રિટન અનેબલ્ડ મી’નું વિમોચન વાણી પ્રકાશન પબ્લિશર્સ દ્વારા બુધવાર 13મી માર્ચે લંડન બુક ફેર, ઓલિમ્પિયા લંડન ખાતે કરવામાં આવ્યું હતું. તો તેનું બીજુ વિમોચન હાઉસ ઓફ કોમન્સ બ્રિટિશ પાર્લામેન્ટ ખાતે લોર્ડ બિલિમોરિયા, લોર્ડ રેમી રેન્જર, કવિ પદમેશ ગુપ્તા અને AAFT યુનિવર્સિટી ઓફ મીડિયા એન્ડ આર્ટ્સના ચાન્સેલર સંદિપ મારવાહ સહિત અન્ય અગ્રણીઓની ઉપસ્થિતામાં કરવામાં આવ્યું હતું.
જાણીતા કવિ અને વાર્તાકાર શ્રી પદમેશ ગુપ્તા કહે છે કે ‘’ઈન્ડિયા મેડ મી બ્રિટન અનેબલ્ડ મી’ પુસ્તક સાહિત્ય અને ઈતિહાસનો ખૂબ જ પ્રેરણાદાયી હિસ્સો છે. ડેમ આશાએ તેને પોતાના શબ્દોમાં ખૂબ જ સુંદર રીતે વર્ણવ્યું છે. તેમણે પુસ્તકમાં પોતાની જીવન યાત્રા શેર કરી છે. ડેમ આશાનું લેખન ઐતિહાસિક અને સામાજિક સંદર્ભને એકીકૃત કરે છે. તેમણે ગમતી ફિલ્મોના ગીતોથી લઇને બ્રિટિશ રાજની ભારતના ભાગલાની વ્યથા રજૂ કરી છે.’’
ડેમ આશા ખેમકા કહે છે કે ‘’મારી ખુદની આત્મકથા લખવી એ મારા જીવનનો સૌથી નમ્ર, પરિપૂર્ણ અને પડકારજનક અનુભવો રહ્યો છે. જ્યારે હું લખતી હતી ત્યારે તે મારી લાગણીઓનું કોસ્ટર બની રહ્યું હતું. જાણે કે મેમરી લેનમાંથી પસાર થતી હતી. ખરેખર તે કંઈક અદ્ભુત હતું. મારી મહેનત, સમર્પણ અને દરેક બાબત માટે, હું જે છું તે બનવા માટે, મારે જે ઓફર કરવું છે તે આ પુસ્તક દ્વારા રજૂ કરૂ છું. ‘ઈન્ડિયા મેડ મી બ્રિટન અનેબલ્ડ મી’ પુસ્તકનું શીર્ષક મને ગૌરવપૂર્ણ ભારતીય તરીકે સંબંધિત કરે છે. મને મારા વારસા પર ખૂબ ગર્વ છે તો સાથે બ્રિટિશ ભારતીય હોવાનો ખૂબ જ ગર્વ છે.’’
તેમણે કહ્યું હતું કે ‘’મારી શક્તિઓ, મારા આત્મગૌરવ અને મારા આત્મવિશ્વાસ, હું જે છું તેની સાથે ભારતે મને બનાવી છે તો બ્રિટને મને શિક્ષણ દ્વારા જીવન ઉન્નત કરવાની તક આપી છે. આ તબક્કે હું જે લોકોથી ઘેરાયેલી છું તેમનો હું પૂરતો આભાર માની શકતી નથી. કારણ કે હું ડેમ બનવાની અથવા તે બધા માન સન્માન કે સફળતા એકલે હાથે પ્રાપ્ત કરવાનો શ્રેય લઈ શકતી નથી. હું ભારતને સલામ કરું છું. હું ગ્રેટ બ્રિટનને સલામ કરું છું. હું આશા રાખું છું કે આ અત્મકથાનક દ્વારા કે મારી વાર્તા લખીને જો હું કોઈ વ્યક્તિના જીવનમાં ફેરફાર લાવીને કે વિશ્વમાં કંઈક ખરેખર અર્થપૂર્ણ યોગદાન આપી શકીશ તો હું મારી જાતને યોગ્ય માનીશ.’’
ઉત્કૃષ્ટ યોગદાન માટે જાણીતા ભૂતપૂર્વ બ્રિટિશ શિક્ષણવિદ, વેસ્ટ નોટિંગહામશાયર કોલેજના પ્રિન્સિપાલ અને સીઈઓ ડેમ આશા ખેમકાએ તેમની આત્મકથામાં પોતાની અદ્ભુત સફરને દર્શાવી છે. તેમણે જે પડકારોનો સામનો કરવો પડ્યો હતો અને શિક્ષણ ક્ષેત્રે ટ્રેઇલબ્લેઝર બનવા માટે જે તકો મેળવી હતી તે આ પુસ્તકમાં દર્શાવી છે.
નોંધપાત્ર સિદ્ધિઓ માટે ડેમ આશા ખેમકાની 2017માં સ્ટેફર્ડશાયરના ડેપ્યુટી લેફ્ટનન્ટ તરીકે નિમણૂક કરાઇ હતી. તેમને 2008માં ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર (OBE) અને 2014માં ડેમ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર (CBE) એનાયત કરાયો હતો. આ પુસ્તકને વિવિધ વર્ગ અને ક્ષેત્રના શ્રોતાઓ તરફથી ઉત્સાહપૂર્ણ આવકાર મળ્યો અને તેમણે ડેમ આશા ખેમકાના આકર્ષક વર્ણનની પ્રશંસા કરી છે.
Book: India Made Me Britain Enabled Me
Author: Dame Asha Khemka
Publishers: Yatra Books, Vani Prakashan
Price: £19.99