– યજ્ઞેશ પંડ્યા

મીરા વી. શાહનું પુસ્તક ‘હર’ (Her) એ એક એવું પુસ્તક છે જેની સમીક્ષા કરવી અઘરી છે. બે તદ્દન અલગ પ્રકારની સ્ત્રીઓ ‘નતાલિઆ’ અને ‘રાની’ બન્નેના મુખેથી વારાફરતી એક પછી એક પ્રકરણમાં કહેવાતી સાયકો થ્રીલર કથા છે, જે વાચકને જકડી રાખે છે અને વાર્તા જેમ જેમ આગળ વધે છે તેમ તેમ વાચકને જુદા જુદા અનુમાનો કરવા પ્રેરતો જાય છે.

પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે નતાલિઆ એક એવી સ્ત્રી છે જેનો પતિ, નોકરી અને જીવન બધું જ એકદમ પરફેક્ટ છે. પરંતુ જેવું દેખાય છે એવું ખરેખર છે ખરું? આ કથા મૂળે પાત્રલક્ષી છે અને જ્યાં સુધી ધીરે ધીરે જુઠાણા ખુલતા જાય ત્યાં સુધી કુતુહલ અને રહસ્ય જળવાયેલાં રહે છે. આ રહસ્યો કથા આગળ વધતાં તો તેની ચરમ સીમાએ પહોંચે છે અને પછી એક એવા શૉકીંગ મુકામ પર પહોંચે છે કે જેની કલ્પના પણ ન થઈ શકે. આ કથામાં એટલાં બધા ટ્વિસ્ટ્સ અને રહસ્યો છે જે તમને સતત ઊચાટમાં જ રાખે છે. આ નવલકથા એક સાયકો થ્રીલર તરીકે એટલી સુંદર અને ભવ્યરીતે લખાઈ છે કે વાચકોને અંત સુધી જકડી રાખે છે.

આમ તો આ કથામાં ઘણા બધાં પાત્રો છે પરંતુ રાની અને નાતાલિઆ તેમાં સતત છવાયેલાં રહે છે. રાની બે બાળકોની ભારતીય મા છે, જેની વય લગભગ ૩૦ વર્ષની છે, બેરોજગાર છે. કોઈપણ મહિલા વાચક તેના ગમે તે બેકગ્રાઉન્ડ સાથે પણ રાની સાથે એક તાદાત્મ્ય અનુભવવા લાગે એ પ્રકારનું એનું પાત્ર છે.

રાનીને એવું લાગે છે કે તેનું નસીબ જ ખરાબ છે અને તે બદલવાના તેનાં સતત પ્રયત્નો કરે છે. તેને પૃથવી પરના તમામ પૈસાદાર કપલની ઈર્ષ્યા થાય છે. અને પછી તેની મુલાકાત નતાલિઆ સાથે થાય છે જેની પાસે એવું બધું જ છે જે રાની ઈચ્છે છે પરંતુ તે સાદગીભર્યું જીવન જીવવા માટે તલસી રહી છે. બે પાત્રો વચ્ચેનો આ વિરોધાભાસ આ બન્ને પાત્રોને એકબીજાની સામે મુકી આપે છે.

એક રાની છે જે બેરોજગાર છે અને ઘરમાં રહીને કંટાળી ગઈ છે. એને જીવનમાં જે છે એનાથી પણ કંઈક વિશેષ કરવું છે. બીજી બાજુ નતાલિઆ છે જેની પાસે પતિ, સારી નોકરી,સુંદર કપડાં, કાર, બધું જ છે. બાળકો ન હોવાને કારણે તે ઘરની બહાર પણ ગમે ત્યારે જઈ શકે છે. અને તેને પણ જીવનમાં જે છે એનાથી કંઈક વિશેષ જોઈએ છે. એક નજરે તો આપણને ઘણી બધી રીતે એ સ્ત્રીઓ સરખી લાગે. પરંતુ, બન્નેના પતિઓ જોએલ અને ચાર્લ્સ સાવ હતાશ છે.

આ કથા જાણે ‘પાસિંગ ધ પાર્સલ’ની રમતની જેમ એક પછી એક રહસ્યના પડળો ખોલતી જાય છે. જો કે આ કથાનો અંત હજુ વધારે અસરદાર બનાવી શકાય તેમ હતો. આ કથામાં કેટલાક અગત્યના, જેમ કે મિત્રતા, જાતિ, ઓળખ, માનસિક બિમારી અને તેને નિયંત્રિત કરતા વર્તન વગેરે, મુદ્દાઓ એકદમ સહજતાથી વણી લેવાયાં છે.

મીરા શાહ અગાઉ સિટિ લોયર હતાં અને હાલમાં લિગલ એડિટર છે. તેમના માતા-પિતા ભારતીય ઇસ્ટ અફ્રિકન છે. મીરા હાલમાં તેના પતિ અને કુટુંબ સાથે નોર્થ લંડનમાં રહે છે. તેઓ તેમનું નિવૃત્ત જીવન ઈટાલીમાં ગાળવાની અપેક્ષા રાખે છે.

Book: Her

Author: Mira V Shah

Publisher : ‎ Hodder Paperbacks

Price: £9.99

LEAVE A REPLY