વિખ્યાત ઓનલાઇન ફેશન રીટેઇલર બૂહૂના લેસ્ટર ખાતે આવેલા સપ્લાયર્સની ફેક્ટરીઓમાં કામ કરવાની પરિસ્થિતિ અને ઓછા પગારો અંગે યુકેના મિડીયામાં થયેલી જોરદાર નકારાત્મક પબ્લિસિટી બાદ પણ બૂહુના ડ્રેસીસના વેચાણમાં કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન 45%નો વધારો થયો છે.
ઓએસિસ, વેરહાઉસ, પ્રીટિ લિટલ થિંગ, નાસ્ટી ગેલ અને કેરેન મિલેન જેવી બ્રાન્ડ ધરાવતા ગૃપનો 31 ઓગસ્ટ સુધીના છ મહિનાનો કરવેરા પહેલાનો નફો 51 ટકા વધીને £68.1 મિલીયન થયો હતો જ્યારે તેમનું વેચાણ વધીને £816 મિલિયન થયું હતું. ખરેખર તો વિશ્લેષકોને તેનું વેચાણ £773 મિલિયન થશે તેવી અપેક્ષા હતી.
બૂહૂએ જણાવ્યું હતું કે યુકેમાં તેનો કરવેરા પહેલાનો નફો હજી પણ તેના કુલ વેચાણના અડધાથી વધુ છે. તેની પાછળનું કારણ ઓછુ રિફંડ અને દરેક ગ્રાહક સરેરાશ 10% વધુ ખરીદી કરે છે. લોકો જોગિંગ બોટમ્સ, હૂડિઝ, ટી-શર્ટ અને સાયકલિંગ શોર્ટ્સની વધારે ખરીદી કરે છે. બૂહૂ શોપર્સની સંખ્યા ત્રીજા ભાગથી વધીને 17.4 મિલિયન થઈ છે અને વેચાણ અપેક્ષિત 25%ની સામે 32% સુધી વધ્યું છે.
બૂહૂના ચીફ એક્ઝિક્યુટિવ જ્હોન લિટલે જણાવ્યું હતું કે જૂથ હજી ખાસ કરીને યુએસ અને યુરોપમાં વધુ એક્વિઝિશન અંગે સક્રિયપણે વિચારણા કરી રહ્યું છે.