બૂહૂએ તેની સપ્લાય ચેઇનની ચકાસણી કર્યા પછી ફેક્ટરીઓના કામદારોની નબળી ટ્રીટમેન્ટ અંગેની ચિંતાઓ બાદ “ઝીરો ટોલરન્સ’’ની નીતિ લાગુ કરી કપડા સીવી આપનાર સેંકડો સપ્લાયર્સ સાથેના સંબંધો કાપી નાખ્યાં છે.
ગયા વર્ષે બૂહૂના એક સ્વતંત્ર અહેવાલમાં “સ્થાનિક” સમસ્યાઓનો પર્દાફાશ થયો હતો અને કંપનીએ અધિકૃત સપ્લાયર્સની સંપૂર્ણ યાદી અથવા તેની સાથે કામ કરતી ફેક્ટરીઓની ચોક્કસ સંખ્યા ન હોવા બદલ ટીકા કરી હતી.
અસુરક્ષિત કારખાનાઓમાં કામ કરતા કર્મચારીઓને લઘુતમ કરતા નીચું વેતન આપવામાં આવે છે તેવા આક્ષેપો બાદ ઑનલાઇન ફેશન રિટેલરે મુખ્યત્વે લેસ્ટર સ્થિત 78 સપ્લાયર્સની યાદી પ્રકાશિત કરી હતી. ગયા વર્ષે બૂહૂના કહેવાથી વરિષ્ઠ વકીલ એલિસન લેવિટ દ્વારા થયેલી તપાસમાં “સ્થાનિક” સમસ્યાઓનો પર્દાફાશ થયો હતો અને કંપનીની સપ્લાયર્સની સંપૂર્ણ યાદી બાબતે ટીકા કરી હતી. તેમણે અંદાજ લગાવ્યો હતો કે બૂહુ લગભગ 500 બ્રિટીશ ફેક્ટરીઓ સાથે કામ કરે છે.
ઑક્ટોબરમાં રીસ્પોન્સીબલ સોર્સિંગના ડિરેક્ટર તરીકે બૂહૂમાં જોડાયેલા એન્ડ્ર્યૂ રેનીએ કહ્યું હતું કે રિટેલરની સપ્લાય ચેઇનની અંદર અનધિકૃત સબકૉન્ટ્રેક્ટીંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને કારખાનાઓને તમામ ઉત્પાદન અને પેકિંગ એક છત હેઠળ લાવવા કહ્યું હતું જેથી તેઓ જાણી શકે કે ઉત્પાદન ક્યાં બનેલું છે. જો કે કંપનીએ સ્વીકાર્યું હતું કે તેની સપ્લાય ચેઇનમાં પૂરતા પ્રમાણમાં અંકુશ અથવા નિરીક્ષણનો અભાવ હતો.
બૂહૂએ તેની સપ્લાય ચેઇનમાં સુધારો લાવવા માટે તેના એજન્ડા ફોર ચેન્જ વ્યૂહરચનાની પ્રગતિ સર બ્રાયન લેવસનનો બીજો અહેવાલ પણ પ્રકાશિત કર્યો હતો.
લેસ્ટર ઇસ્ટના સાંસદ ક્લાઉડિયા વેબ્બે પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે “બૂહૂએ સેંકડો સપ્લાયર્સ સાથેના સંબંધોને તોડી નાખ્યાં છે તેમાં લેબર માર્કેટના દુરૂપયોગનો ભોગ બનેલા લોકોની સુરક્ષા કરવા કરતા તેમની પોતાની પ્રતિષ્ઠાને ધ્યાને લેવાની વધુ ચિંતા છે. આ જાહેરાત લેસ્ટરના કામદારોને ન્યાય અપાવશે નહીં. બૂહૂ પહેલાનું વેતન ચૂકવ્યા વગર સપ્લાયર્સ સાથેના સંબંધ સમાપ્ત કરે તે પૂરતું નથી. તેથી, બૂહૂએ તાત્કાલિક ભંડોળ પૂરું પાડવું આવશ્યક છે.’’