બ્રિટનના સૌથી ઝડપથી વિકસતા વિખ્યાત ઑનલાઇન ફેશન રિટેલર બૂહૂએ ઓછા પગાર અને કામ કરવાની નબળી પરિસ્થિતિ અંગેના આક્ષેપોથી પ્રભાવિત થયા બાદ હાઈકોર્ટના ભૂતપૂર્વ જજ સર બ્રાયન લેવસનની કંપનીની સપ્લાય ચેઇનમાં ફેરફારની સ્વતંત્ર દેખરેખ માટે નિમણૂંક કરી છે. તેઓ સીધા કંપનીના બોર્ડને રિપોર્ટ કરશે અને જાહેરમાં ઉપલબ્ધ પ્રગતિ અહેવાલોનું સંકલન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે અધિકારીઓએ “નોંધપાત્ર અને સ્પષ્ટપણે અસ્વીકાર્ય મુદ્દાઓ” હોવાનું સ્વીકાર્યું છે.
£3.7 બિલીયનના જૂથની સ્થાપના 2006માં માંચેસ્ટરમાં કેરોલ કેન અને મહમૂદ કામનીએ કરી હતી. જેના પરવડે તેવા ફેશન ઓફરિંગે યુવા ગ્રાહકોમાં મોટી સંખ્યામાં સફળતા મેળવી છે. બૂહૂની સપ્લાય ચેઇનનો સ્ટાફ લેસ્ટરની એક ફેક્ટરીમાં અસુરક્ષિત પરિસ્થિતિમાં કામ કરતો હોવાનું અને કથિત રૂપે સામાજિક અંતરના નિયમોનો ભંગ થતો હોવાનું સન્ડે ટાઇમ્સે જણાવ્યું હતું.
કંપનીએ એલિસન લેવિટ, ક્યુસી દ્વારા સમીક્ષા શરૂ કરાવી હતી જેમાં અધિકારીઓએ ગેરકાયદેસર રીતે ઓછા પગાર અને અસ્વીકાર્ય કામ કરવાની પરિસ્થિતિઓ વિશે વાકેફ હોવાનું જણાયું હતું. જો કે તેમાં બૂહૂએ કોઈ ગુનો કર્યો છે તેવા કોઈ પુરાવા મળ્યા ન હતા. શ્રીમતી લેવિટે કહ્યું હતું કે તેણી સંતુષ્ટ છે કે બૂહૂ જાણી જોઈને નબળી પરિસ્થિતિમાં કામ કરાવવા માટે કે ઓછા પગાર ચૂકવવા માટે “ઇરાદાપૂર્વક” જવાબદાર નહતી.
બૂહુએ તેની સપ્લાય ચેઇનમાં “લાંબા સ્થાયી અને અર્થપૂર્ણ પરિવર્તન” લાવવા અને તેના માટે કાર્યરત કંપનીઓની યાદી પ્રકાશિત કરવાનું વચન આપ્યું છે. કંપનીના કાર્યકારી અધ્યક્ષ, શ્રી કમાણીએ કહ્યું કે તેઓ અત્યાર સુધીની પ્રગતિથી પ્રોત્સાહિત છે. “સર બ્રાયન અને કેપીએમજીની નિમણૂંક સાથે, કંપનીના નિરીક્ષણ, વધારાની કુશળતા અને પ્રોગ્રામમાં વધુ પારદર્શિતા લાવવાની સાથે આ કાર્યક્રમ માટે હું પોતે અને બોર્ડ સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.’’
સર બ્રાયને 2011-12ના ફોન-હેકિંગ કૌભાંડ પછી મીડિયા એથિક્સની તપાસનું નેતૃત્વ કર્યું હતું. તે પછી તેમને હાઇકોર્ટના ક્વીન્સ બેંચ વિભાગના પ્રમુખ તરીકે બઢતી આપવામાં આવી. ચાર વર્ષ પછી તેઓ ક્રિમીનલ જસ્ટીસ વિભાગના વડા બન્યા હતા જે ઇંગ્લેન્ડ અને વેલ્સના બીજા ક્રમના ક્રિમિનલ લોના જજ છે.