ગયા વર્ષે ગ્રેટર માન્ચેસ્ટરનું બોલ્ટન દેશનું એકમાત્ર નગર હતું જ્યાં કોરોનાવાયરસના કેસોમાં વધારો થતાં પબ અને રેસ્ટૉરન્ટને બંધ કરવાની ફરજ પાડવામાં આવી હતી. ભારતીય વેરિયન્ટના કેસો મળી આવતા બોલ્ટન ફરીથી હોટસ્પોટ બન્યું છે અને આ શહેરમાં દર 100,000 લોકો દિઠ 192.3 લોકોને ચેપ લાગ્યો છે.
બોલ્ટનના રહેવાસીઓમાં ડર છે કે વધતો ચેપ પ્રતિબંધો લાવી શકે તેમ છે. કાઉન્સિલના નેતાએ પણ સરકારને વિનંતી કરી હતી કે “અમને લોકડાઉન ન કરો.”
પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડે આ ક્ષેત્રમાં ભારતીય વેરિયન્ટનું પ્રમાણ વધારે હોવાનું જણાવ્યું છે. માનવામાં આવે છે કે આ વિસ્તારમાં ચેપની વૃદ્ધિના કેસ ભારત અને પાકિસ્તાનની મુસાફરી કરનાર રહેવાસીઓ દ્વારા લાવવામાં આવ્યા છે, જેમાં યુવાનો સૌથી વધુ ચેપનો ભોગ બને છે. જેથી ગ્રેટર માન્ચેસ્ટરના મેયર, એન્ડી બર્નહામે બોલ્ટન અને વિશાળ વિસ્તારના 16થી ઉપરના તમામ લોકોને રસી આપવા હાકલ કરી છે.
જો ગ્રીન લાઈટ આપવામાં આવે તો સ્થાનિક ટીમો વધુ લોકોને રસી આપવા માટે સ્ટેન્ડબાય પર છે, અને ટેસ્ટીંગમાં વધારો થયો છે. બોલ્ટન કાઉન્સિલના કન્ઝર્વેટિવ નેતા ડેવિડ ગ્રીનહાગે લોકડાઉનનો વિરોધ કરી વધુ રસીકરણની હાકલ કરી હતી.
બોલ્ટન સાઉથ ઈસ્ટના લેબર સાંસદ યાસ્મિન કુરેશીએ પણ પ્રતિબંધનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે “હું ટીયર સિસ્ટમથી સહમત નથી, મને નથી લાગતું કે તે અસરકારક છે.”