બોલીવુડના સુપરસ્ટાર અક્ષય કુમાર, ભારતીય ફિલ્મ નિર્માતા વાશુ ભગનાની અને ઉદ્યોગપતિ જીતેન દોશીએ તાજેતરમાં અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી. BAPS હિંદુ મંદિરના વડા સ્વામી બ્રહ્મવિહારીદાસે ફૂલોનો હાર પહેરાવીની તેમનું સ્વાગત કર્યું હતું.
અક્ષયકુમાર અને પ્રતિનિધિમંડળના બીજા સભ્યોએ મંદિરના ઈતિહાસ વિશે વધુ જાણવા માટેનો રસ દર્શાવતા તેમને રિવર્સ ઓફ હાર્મની એક્ઝિબિશનમાં લઈ જવામાં આવ્યાં હતા, જે મંદિરની ઉત્પત્તિની આકર્ષક ઝલક આપે છે.
1997માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા સંવાદિતા અને શાંતિની સ્થાપના માટે મંદિરનું વિઝન રજૂ કરવામાં આવ્યું હતું. આ મંદિર આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આ પ્રાર્થનાશક્તિ અને સુમેળભર્યા વિશ્વ માટે લાખો લોકોની સામુહિક પ્રાર્થનાનો પુરાવો બન્યું છે. મંદિર ફેબ્રુઆરી 2024માં ખુલ્લું મૂકવામાં આવશે.
એક્ઝિબિશનની મુલાકાત લીધી પછી અક્ષય કુમાર અને પ્રતિનિધિમંડળ મંદિરના બોર્ડ ઓફ ડાયરેક્ટર અને મુખ્ય સ્વયંસેવકોની સભામાં પણ જોડાયું હતું. સ્વામી બ્રહ્મવિહારીદાસે તેમના વક્તવ્યથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતાં. તેમણે પ્રોજેક્ટની કલ્પના અને વિકાસનો લગભગ જાદુઈ ઇતિહાસ રજૂ કર્યો હતો. પૂજ્ય સ્વામીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટની પટકથા સ્વર્ગમાં લખાઈ હતી અને હવે પૃથ્વી પર રજૂ થઇ છે.
આ પછી પ્રતિનિધિમંડળે પૂજામાં ભાગ લીધો હતા અને મંદિરના નિર્માણમાં ઇંટ મૂકી હતી. આ ભવ્ય મંદિરના નિર્માણ માટે આશરે 40,000 લોકોએ ઇંટ મૂકીને પોતાનું યોગદાન આપ્યું છે. સ્વામી બ્રહ્મવિહારીદાસે તેઓને મંદિરની ટુર કરાવી હતી. સ્વામી બ્રહ્મવિહારીદાસ તેમને તે સ્થાન પર લઈ ગયાં હતા, જ્યાં પ્રાચીન સંસ્કૃતિની 14 આંતરરાષ્ટ્રીય વાર્તાઓ કોતરવામાં આવશે. આ વાર્તાસંગ્રહ મંદિરની અજોડ વિશેષતા છે,જે વિશ્વના બીજા કોઇ મંદિરમાં જોવા મળતી નથી.
અક્ષય કુમારે આ પ્રોજેક્ટને જીવંત કરવામાં તેમના અથાક પ્રયત્નો બદલ સ્વયંસેવકો અને યોગદાન આપનારાઓનો આભાર માન્યો હતો. BAPS હિંદુ મંદિર માત્ર માનવીય સંભાવનાની શક્તિનો જ નહીં, પરંતુ તે સહિષ્ણુતા, પ્રેમ અને શાંતિનો પુરાવો છે.
સંયુક્ત આરબ અમિરાતમાં વૈશ્વિક સંવાદિતતાના આ આધ્યાત્મિક કેન્દ્રના નિર્માણ માટે સહયોગ કરવા બદલ અક્ષય કુમાર અને બ્રહ્મવિહારી સ્વામી બંનેએ સંયુક્ત આરબ અમીરાતના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન તથા નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.