અગ્રણી હિન્દુ ધર્મગુરુ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ ગુરુવારે ફિલ્મ નિર્માતાઓ માટે માર્ગદર્શિકા જારી કરી હતી. તેમને સનાતન ધર્મની ટીકા, અનાદર અથવા ઉપહાસ કરવાથી દૂર રહેવાની ફિલ્મ નિર્માતાને તાકીદ કરી છે. ધર્મગુરુએ 3 જાન્યુઆરીએ બોલિવૂડ ફિલ્મોની સમીક્ષા કરવા ‘ધર્મ સેન્સર બોર્ડ’ની રચના કરી હતી. આ સેન્સર બોર્ડનો હેતુ કોઈપણ ધર્મ વિરોધી સામગ્રી અથવા સનાતન ધર્મ વિશેના તથ્યોની વિકૃતિ પર નિયંત્રણ રાખવાનો છે. અહીં ઉલ્લેખનીય છે કે ભારતમાં સરકારે રચેલું સેન્સર બોર્ડ છે, જે ફિલ્મોની સમીક્ષા કરીને તેને સર્ટિફિકેટ આપે છે. હવે બીજું એક ધાર્મિક સેન્સર બોર્ડ પણ અસ્તિત્વમાં આવ્યું છે.
ધર્મ સેન્સર બોર્ડ વિશે વાત કરતાં અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે, અમારા નિષ્ણાતો ફિલ્મ રિલીઝ થશે ત્યારે જોશે અને જો અમને તે સનાતન ધર્મ સાથે જોડાયેલા લોકો માટે યોગ્ય લાગશે, તો અમે પ્રમાણપત્ર આપીશું. હાલમાં, સરકાર રચેલું સેન્સર બોર્ડ ફિલ્મને પાસ કરે છે. અમે વારંવાર સેન્સર બોર્ડમાં ધાર્મિક વ્યક્તિનો સમાવેશ કરવા માટે કહ્યું છે. પરંતુ આ માંગણી સ્વીકારવામાં આવી નથી. તેથી અમારે પોતાના બોર્ડની રચના કરવી પડી છે.
પ્રયાગરાજમાં માઘ મેળામાં પત્રકારોને સંબોધતા અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે તમામ ફિલ્મ નિર્માતાઓને માર્ગદર્શિકા પહોંચાડવામાં આવી રહી છે અને તેઓ તેમની ફિલ્મોમાં સનાતન ધર્મની ટીકા, અનાદર અથવા ઉપહાસ કરતા દ્રશ્યો અને સંવાદોનો હવે સમાવેશ નહીં કરે તેવી અપેક્ષા છે. આ માર્ગદર્શિકા ‘ઝોન્કો, ટોકો અને રોકો’ નીતિ પર આધારિત છે. જો ફિલ્મ નિર્માતાઓ ધ્યાન નહીં આપે તો કાનૂની માર્ગ અપનાવવામાં આવશે. આ માટે લિગલ સેલની રચના કરાઈ છે.
ધર્મ સેન્સર બોર્ડ સરકારના સેન્સર બોર્ડ માટે સહાયક ભૂમિકા ભજવશે તેવી સ્પષ્ટતા કરતાં ધર્મગુરુએ જણાવ્યું હતું કે અમે તેમના સેન્સર બોર્ડ સામે સવાલ ઉઠાવી રહ્યાં નથી. શંકરાચાર્યના મીડિયા પ્રભારી શૈલેન્દ્ર યોગીએ કહ્યું હતું કે ધર્મ સેન્સર બોર્ડ એ પણ સુનિશ્ચિત કરશે કે ફિલ્મના શીર્ષકો લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે નહીં અથવા કોઈ દેવી કે ધર્મગુરુનો અનાદર ન કરે.