બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા ઈરફાન ખાનનું બુધવારે, 29 એપ્રિલે મુંબઇમાં અવસાન થયું છે. તેમની તબિયત લથડતા મંગળવારના રોજ જ તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આઈસીયુ વોર્ડમાં તેમની સારવાર ચાલી રહી હતી. મકબુલ, પિકુ, પાનસિંઘ તોમર , લાઈફ ઓફ પાઇ સહિતની ફિલ્મોથી જાણીતા અભિનેતાએ મુંબઈમાં અંતિમ શ્વાસ ભર્યા છે. તેઓ છેલ્લા બે વર્ષથી ન્યુરોએન્ડ્રોકાઇનથી પીડાતા હતા.
ઈરફાન ખાનના સ્પોકપર્સને એક્ટરની તબિયતને લઈ સત્તાવાર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું, હા આ વાત સાચી છે કે ઈરફાન ખાન હોસ્પિટલમાં દાખલ છે. તેમને કોલન ઈન્ફેક્શન (એક જાતનો પાચનનો રોગ) થયું હતું અને તેથી જ તેમને કોકિલાબેન હોસ્પિટલના આઈસીયુમાં એડમિટ કરવામાં આવ્યા હતાં.
ઈરફાન ખાનની માતા સઈદા બેગમનું શનિવારે (25 એપ્રિલ) સવારે નિધન થયું હતું. તેઓ 95 વર્ષના હતાં અને લાંબા સમયથી બીમાર હતાં. તેઓ ઈરફાનના ભાઈ સલમાન તથા અન્ય પરિવારના સભ્યો સાથે રહેતા હતાં. સઈદા બેગમને સાંજે જ સુપુર્દે ખાક કરવામાં આવ્યા હતાં. લૉકડાઉનને કારણે ઈરફાન ખાન મુંબઈમાં હતાં અને તેઓ જયપુર જઈ શકે તેમ નહોતાં. વીડિયો કોલિંગ પર ઈરફાને માતાને અંતિમ વિદાય આપી હતી.
53 વર્ષીય ઈરફાન ખાને માર્ચ, 2018માં ખુલાસો કર્યો હતો કે તેમને ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર છે, જેની સારવાર લંડનમાં ચાલે છે. ઈરફાન ભાગ્યે જ જાહેરમાં જોવા મળે છે. હાલમાં જ ઈરફાન ખાનની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સિંગલ ફાધરના સ્ટ્રગલની વાત કરવામાં આવી હતી. આ ફિલ્મનું ઈરફાન ખાને પ્રમોશન કર્યું નહોતું. તેણે કરે છે.
તે પોતાની દીકરીની દરેક ઈચ્છાઓ પૂરી કરવા ઈચ્છા છે. દીકરીનું સપનું લંડનમાં જઈને અભ્યાસ કરવાનું છે. આ ફિલ્મ 2017માં આવેલી ‘હિંદી મીડિયમ’ની સીક્વલ છે. આ ફિલ્મને સાકેત ચૌધરીએ ડિરેક્ટ કરી હતી. ‘અંગ્રેજી મીડિયમ’માં ઈરફાન ઉપરાંત કરીના કપૂર, રાધિકા મદન, દીપક ડોબરિયાલ કિકુ શારદા, ડિમ્પલ કાપડિયા તથા રણવીર શૌરી છે.
ઈરફાને એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું, ‘હેલ્લો ભાઈઓ, બહેનો, નમસ્કાર.
હું ઈરફાન ખાન, આજે તમારી સાથે છું પણ, અને નથી પણ. મારા માટે આ ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ ઘણી જ ખાસ છે. વિશ્વાસ કરો કે મારી દિલની ઈચ્છા હતી કે આ ફિલ્મને પણ એટલા જ પ્રેમથી પ્રમોટ કરું, જેટલા પ્રેમથી અમે આ ફિલ્મ બનાવી છે. જોકે, મારા શરીરમાં કેટલાંક વણજોઈતા મહેમાનો બેઠાં છે. તેમની સાથે વાર્તાલાપ ચાલી રહ્યો છે. જોઈએ હવે શું થાય છે. જે પણ થશે, તમને જાણ કરી દેવામાં આવશે.
કહેવત છે કે ‘જ્યારે જીવનમાં મુશ્કેલી આવે તો તેને અનુકૂળ તકમાં ફેરવવી જોઈએ.’ આ વાત બોલવામાં સારી લાગે છે પરંતુ જીવનમાં જ્યારે મુશ્કેલીઓ આવે છે, ત્યારે તેને અનુકૂળ તકમાં ફેરવવી ઘણી જ અઘરી હોય છે. તમારી પાસે ચોઈસ પણ શું હોય છે? હકારાત્મક રહેવા સિવાય? આ પરિસ્થિતિને તમે અનુકૂળ તકમાં ફેરવી શકો છો કે નહીં તે તો તમારી પર છે. અમે બધાએ આ ફિલ્મને તે જ હાકરાત્મકતા સાથે બનાવી છે. આશા છે કે આ ફિલ્મ તમને હસાવશે, રડાવશે અને પાછી હસાવશે. ટ્રેલરને એન્જોય કરો. એકબીજા પ્રત્યે દયાળુ રહો અને ફિલ્મ જોઈને આવો. અને હા.. મારી રાહ જોજો’
ઈરફાન ખાને ‘મકબૂલ’, ‘લાઈફ ઈન અ મેટ્રો’, ‘લંચ બોક્સ’, ‘પીકુ’, ‘તલવાર’, ‘હિંદી મીડિયમ’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. તેમને ‘હાસિલ’ (નેગેટિવ રોલ), ‘લાઈફ ઈન અ મેટ્રો’ (બેસ્ટ એક્ટર), ‘પાન સિંહ તોમર’ (બેસ્ટ એક્ટર ક્રિટિક) તથા ‘હિંદી મીડિયમ’ માટે ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો. ‘પાન સિંહ તોમર’ માટે એક્ટરને નેશનલ અવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.