કોરોનાનો કેર સમગ્ર વિશ્ર્વમાં ભયંકર રૂપ લઇ રહ્યો છે. ભારતમાં દોઢ લાખથી પણ વધારે લોકો કોરોના પોઝિટિવ હોવાના કેસ સામે આવ્યા છે. તેમ જ ચાર હજારથી વધારે લોકોના જીવ ગયા છે. તેમાં પણ ખાસ કરીને મહારાષ્ટ્રની હાલત ખૂબ જ ખરાબ છે. ફક્ત મુંબઇમાં જ ચોપ્પન હજાર જેટલા કેસ સામે આવ્યા છે. આવા સમયે બોલીવૂડના કલાકારો પણ લોકોને મદદ કરી રહ્યા છે.
હાલમાં જ સોનુ સૂદે પ્રવાસી મજૂરોની જવાબદારી ઉપાડી લીધી છે. ત્યારે સુપર સ્ટાર અજય દેવગન પણ ધારાવીના કેટલાક પરિવારોની મદદે આવ્યા છે. અજય દેવગનની કંપની ધારાવીના ૭૦૦ પરિવારોની દેખરેખ કરી રહી છે. આ રીતે અજય દેવગને મિશન ધારાવી શરૂ કર્યું છે.
અજય દેવગને આ વિષે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે ધારાવી કોવિડ-૧૯નું હોટસ્પોટ બની ગયું છે. ત્યારે ઘણા નાગરિકો દિવસ રાત અહિ કામગીરી કરી રહ્યા છે. કેટલીક એનજીઓ પણ જરૂરતમંદ લોકોને રાશન અને હાઇજિન કીટ આપી રહ્યા છે. હું લોકોને વિનંતી કરું છું કે આગળ આવીને દાન કરી લોકોની મદદ કરે.