બ્રિટનના 56 વર્ષીય વડાપ્રધાન બોરિસ જૉન્સને લંડનમાં વેસ્ટમિન્સ્ટરમાં આવેલા રોમન કેથલિક કેથેડ્રલમાં શનિવારે ઢળતી બપોરે તા. 29ના રોજ અંગત મિત્રો અને પરિવારજનોની હાજરીમાં એક નાના ખાનગી સમારંભમાં તેમની 33 વર્ષીય વાગ્દતા કેરી સાયમન્ડ્સ સાથે લગ્ન કર્યા હતાં. બોરિસ જૉન્સનના આ ત્રીજા અને કેરી સાયમન્ડસના આ પહેલાં લગ્ન છે. આ યુગલને ત્યાં એપ્રિલ-2020માં પુત્ર વિલ્ફ્રેડનો પણ જન્મ થયો હતો.
નવદંપતી આગામી સમરમાં કોવિડ નિયંત્રણો હટે તે પછી તેમના લગ્નની પરિવાર અને મિત્રો સાથે ઉજવણી કરનાર છે અને તેમના હનીમૂન પર પણ ત્યારે જ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે 200 વર્ષના ઇતિહાસમાં બ્રિટનમાં પ્રથમ વખત પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન કોઇ પ્રધાનમંત્રીએ લગ્ન કર્યા છે. બ્રિટનમાં વર્ષ 1822માં તત્કાલિન વડા પ્રધાન રોબર્ટ બેન્ક્સ જેકિન્સને તેમના કાર્યકાળ દરમિયાન લગ્ન કર્યા હતા.
10 ડાઉનીંગ સ્ટ્રીટે લગ્નના બીજા દિવસે – રવિવારે સવારે સત્તાવાર રીતે પુષ્ટિ કરી હતી કે તેમના લગ્ન ફાધર ડેનિયલ હમ્ફ્રે દ્વારા કરાવવામાં આવ્યા હતા અને આ પ્રસંગે તેમના પુત્ર વિલ્ફ્રેડના બાપ્ટિઝમની વિધિ પણ કરવામાં આવી હતી. જાહેર જનતાને શનિવારે બપોરે 1:30 પછી વેસ્ટમિન્સ્ટર કેથેડ્રલ છોડવાનું કહેવામાં આવ્યું હતું. કેથોલિક સેરેમનીની તૈયારીમાં ચર્ચના થોડાક અધિકારીઓએ ભાગ લીધો હતો અને તેમનું વડપણ ફાધર ડેનિયલ હમ્ફ્રેએ સંભાળ્યું હતું. આ લગ્નમાં કોને આમંત્રણ અપાયું હતું અને જોન્સનની કેબિનેટના કોઇ સાથીદારો મહેમાન તરીકે હાજર રહ્યા હતા કે કેમ તેની માહિતી જાહેર કરવામાં આવી નથી.
ફેબ્રુઆરી-2020માં જોન્સન અને કેરીએ પ્રેમસંબંધના કારણે સગાઇના બંધનથી જોડાવાની જાહેરાત કર્યા બાદ એપ્રિલ-2020માં તમના પુત્ર વિલ્ફ્રેડનો ડાઉનીંગ સ્ટ્રીટમાં જ જન્મ થયો હતો. શ્રીમતી જૉન્સને જાહેરાત કરી હતી કે તેઓ તેમના પતિની અટક અપનાવશે.
લગ્ન સમયે કેરીએ સફેદ ડ્રેસ પહેર્યો હતો. જે એથેન્સ સ્થિત ક્રિસ્ટોસ કોસ્ટારેલોસ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો, જેમણે લંડન કૉલેજ ઑફ ફેશનમાંથી અભ્યાસ કર્યો હતો અને તેમના કાર્યને “પ્રાચીન ગ્રીક ફીલોસોફીની ભાવનાથી પ્રેરિત” હોવાનું જણાવવામાં આવે છે.
લગ્નના બીજા દિવસે ડાઉનિંગ સ્ટ્રીટના ગાર્ડનમાં ઉભા રહેલ નવદંપત્તીનો ફોટોગ્રાફ રિલીઝ કરવામાં આવ્યો હતો. જો કે, કૉન્ઝર્વેટિવ એમપી જેમ્સ ક્લેવર્લીએ શનિવારે નવદંપતીના ગાર્ડન રિસેપ્શનના એક અલગ ફોટોગ્રાફને શેર કર્યો હતો જેમાં ડેકોરેશન અને રિફ્રેશમેન્ટ ટેબલ પર દેખાતું નજરે પડ્યું હતું. શનિવારે રાત્રે 10 વાગ્યે સંગીતકારો ડાઉનીંગ સ્ટ્રીટમાંથી જતા જોવા મળ્યા હતા.
દેશના ઘણા રાજકારણીઓએ નવદંપતીને અભિનંદન આપ્યા હતા. જેમાં હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ, હેલ્થ સેક્રેટરી મેટ હેનકોક, વેક્સીન મિનીસ્ટર નધિમ ઝાહાવી અને વર્ક એન્ડ પેન્શન સેક્રેટરી થેરેસે કોફીનો સમાવેશ થાય છે.
મેઇલ ઓન સન્ડેએ અહેવાલમાં જણાવ્યું હતું કે 30 મહેમાનોને ટૂંકી સૂચના પર સમારોહમાં પધારવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. કેમ કે ઇંગ્લેન્ડમાં કોવિડ પ્રતિબંધ હેઠળ લગ્નમાં મહત્તમ 30 લોકોની ઉપસ્થિતીને મંજૂરી આપવામાં આવે છે.
કેરી સાયમન્સ કૉન્ઝર્વેટિવ પાર્ટીની પ્રેસ ઓફિસમાં વર્ષ 2010થી કામ કરે છે. 2012માં બોરિસને ફરીથી લંડનના મેયર બનાવવા માટેના કેમ્પેઇનમાં તેણીએ સફળતાપૂર્વક કામગીરી કરી હતી. 2018માં તેમણે નોકરી છોડી ત્યારે તેઓ પક્ષના કોમ્યુનિકેશન વિભાગના વડા હતા.
આ અગાઉ બોરિસ જોન્સનના લગ્ન 1987માં પત્રકાર અને કલાકર અલેગ્રા મોસ્ટીન-ઓવેન સાથે થયા હતા અને 1993 સુધી તે લગ્ન ટક્યા હતા. ત્યારબાદ તેમણે ભારતીય માતા અને બ્રિટીશ પિતાની સંતાન એવી પત્રકાર અને બેરિસ્ટર મરીના વ્હીલર સાથે લગ્ન કર્યા હતા જેઓ 25 વર્ષના લગ્નજીવન બાદ 2018માં છૂટા પડ્યા હતા અને 2020માં તેમણે સત્તાવાર છૂટાછેડા લીધા હતા. વર્ષ 2019ની શરૂઆતમાં જોન્સન અને કેરીના સંબંધોને મીડિયા દ્વારા પ્રથમ વખત રોમેન્ટિક રીતે જોડવામાં આવ્યા હતા.
ચર્ચમાં લગ્ન થતા વિવાદ
શ્રી જૉન્સનના અગાઉના બે વખતના લગ્ન રોમન કેથોલિક ચર્ચની બહાર કર્યા હોવાથી રોમન કેથોલિક ચર્ચ છૂટાછેડા કરી ચૂકેલ વ્યક્તિને ફરીથી લગ્ન કરવાની મંજૂરી આપી શકે છે. જો કે કેથોલિક મેગેઝિન ‘ધ ટેબ્લેટ’નાં રોમના સંવાદદાતા ક્રિસ્ટોફર લેમ્બને બીબીસી રેડિયો 5 લાઈવને કહ્યું હતું કે “આ લગ્ન પછી લોકોને એવી લાગણી થશે કે, છૂટાછેડા લીધેલા કેટલાક લોકોને ચર્ચમાં શા માટે લગ્ન કરવાની મંજૂરી આપવામાં આવી જ્યારે અન્ય લોકોને આવી મંજૂરી કેમ આપવામાં આવી નથી? જો ચર્ચ બોરીસ જૉન્સનને આવકારતું હોય તો અન્યને કેમ નહીં?”
પેન્કેથ, વૉરિંગ્ટનના સેન્ટ જોસેફ્સ ચર્ચના આસીસ્ટન્ટ પ્રિસ્ટ ફાધર માર્ક ડ્ર્યુએ જણાવ્યું હતું કે, ‘’અગાઉ તેઓ છૂટાછેડા લેનાર કેથોલિક યુગલોને કહેતા હતા કે તેઓ ચર્ચમાં ફરીથી લગ્ન કરી શકે નહિં. જો ચર્ચ બેવડા ધોરણો લાગુ કરશે તો મને ડર છે કે આ નિર્ણયથી ચર્ચની ખરાબ છબી દેખાશે.”
બોરિસ જૉન્સનને તેમના ખાનગી જીવન વિશે વાત કરવાનું ટાળવું ગમે છે – તેઓ છેલ્લા કેટલાક સમયથી આ મુદ્દા પરના પ્રશ્નોના જવાબો આપવાનો ઇનકાર કરતા હતા. ભૂતપૂર્વ પત્રકાર અને જન સંપર્કમાં રહેનાર કોઈની વચ્ચેના લગ્ન ખાનગી રાખવું સરળ ન થઇ શકે. પરંતુ તેમના લગ્નથી વેસ્ટમિંસ્ટરમાં લગભગ દરેકને આશ્ચર્ય થયું હતું. કેમની ઇચ્છા લગ્નને ખાનગી રાખવાની હતી.