તા. 12 ગુરૂવારે કોવીડ-19 માટે પોઝીટીવ ટેસ્ટ મેળવનાર એશફિલ્ડના સાંસદ લી એન્ડરસન સાથે આશરે 35 મિનિટ ગાળ્યા બાદ વડા પ્રધાન બોરીસ જ્હોન્સન સેલ્ફ આઇસોલેટ થઈ ગયા હતા. રવિવારે હેલ્થ ઓફિશીયલ્સ દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમને કોઇ લક્ષણો જણાયા નહતા. તેઓ ડાઉનિંગ સ્ટ્રીટથી કામ ચાલુ રાખશે. 56 વર્ષીય વડા પ્રધાને માર્ચ માસમાં કોરોનાવાયરસ માટે ICUમાં સારવાર મેળવી હતી.
ગુરુવારના કાર્યક્રમમાં એક ફોટામાં જ્હોન્સન અને એન્ડરસન કેમેરા માટે પોઝ આપતા હતા ત્યારે તેઓ સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને દૂર ઉભા રહેલા જણાયા હતા. જોકે, તેમણે ફેસ માસ્ક પહેર્યા ન હતા. જ્હોન્સને રવિવારે રાત્રે ટ્વીટર પર લખ્યું હતું કે “આજે મને NHS ટેસ્ટ એન્ડ ટ્રેસ દ્વારા જાણ કરવામાં આવી હતી કે મારો કોવિડ-19 માટે પોઝીટીવ ટેસ્ટ કરનાર વ્યક્તિ સાથે સંપર્ક કર્યો હોવાથી મારે સેલ્ફ આઇસોલેટ થવું જ જોઇએ. મને કોઈ લક્ષણો નથી, પરંતુ હું નિયમોને અનુસરીને નંબર 10થી કામ કરીશ કારણ કે હું સરકારના રોગચાળાના પ્રતિસાદને આગળ ધપાવી રહ્યો છું.
નંબર 10ના પ્રવક્તાએ ઉમેર્યું હતું કે “વડા પ્રધાનની તબિયત સારી છે અને તેમને કોવિડ-19ના લક્ષણો નથી.”
જ્હોન્સને ટોરી સાંસદોને એક વોટ્સએપ સંદેશમાં જણાવ્યું હતું કે “સારા સમાચાર એ છે કે એનએચએસ ટેસ્ટ અને ટ્રેસમાં સુધારો થતો રહે છે. ખરાબ સમાચાર એ છે કે મને પિંગ કરવામાં આવ્યો છે! એન્ડરસન સાથેની મુલાકાત દરમિયાન માર્ગદર્શનનું પાલન અને સામાજિક અંતર જાળવ્યું હોવા છતાં સેલ્ફ આઇસોલેશનના નિયમોનું પાલન કરશે. મને પહેલા કરતા વધારે સારું છે અને મારું શરીર એન્ટિબોડીઝથી છલકાઈ રહ્યું છે. નિયમો એ નિયમો છે અને તેઓ રોગના પ્રસારને રોકવા માટે છે.”
વાયરસે યુકેમાં 50,000 લોકોનો જીવ લીધા છે અને 1,372,000થી વધુ લોકોને ચેપ લગાડ્યો છે. 53 વર્ષના કન્ઝર્વેટિવ સાંસદ એન્ડરસને રવિવારે ફેસબુક પર લખ્યું હતું કે તેમણે રોગના કેટલાક સંકેતો બતાવ્યા પછી તેઓ આઇસોલેટ થયા હતા.