અમેરિકાની વિમાન બનાવતી કંપની બોઇંગ છટણી અને સ્વૈચ્છિક નિવૃત્તિ દ્વારા કર્મચારીઓની સંખ્યામાં ૧૨,૦૦૦નો ઘટાડો કરી રહી છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝને ભારે નુકસાન થયું છે. કંપનીએ ભવિષ્યમાં વધુ કર્મચારીઓને નોકરીમાંથી દૂર કરવાના સંકેત આપ્યા છે.
જો કે કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવાની જાહેરાત કર્યા પછી કંપનીએ ગયા સપ્તાહે જણાવ્યું હતું કે તેણે ૭૩૭ મેક્સ જેટલાઇનરનું ઉત્પાદન શરૃ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે કોરોના સંકટ અગાઉ જ બે મેક્સ વિમાન તૂટી પડતાં કંપની નાણાકીય કટોકટીનો સામનો કરી રહી હતી. આ ઉપરાંત આ કંપનીમાં આગામી સપ્તાહમાં ૫૫૨૦ કર્મચારીઓ સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લેશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે અમારી પાસે હાલમાં ૧.૬૦,૦૦૦ કર્મચારીઓ છે અને તે પૈકી દસ ટકા કર્મચારીઓને નોકરીમાંથી દૂર કરીશું. સૂત્રોના જણાવ્યા અનુસાર આ છટણીને એવિએશન સેક્ટરની સૌથી મોટી છટણી ગણવામાં આવી રહી છે.જો કે આગામી મહિનાઓમાં એવિએશન સેક્ટરની અન્ય કંપનીઓ દ્વારા પણ હજારોની સંખ્યામાં કર્મચારીઓની છટણી કરવામાં આવે તેવી શક્યતા છે.