બોમ્બે હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે બોડી મસાજરને એડલ્ટ સેક્સ ટોય તરીકે વર્ગીકૃત કરી શકાય નહીં અને તેથી આયાત માટે પ્રતિબંધિત વસ્તુઓની યાદીમાં તેનો સમાવેશ કરી શકાય નહીં. હાઇકોર્ટે બોડી મસાજર સાથેના એક કન્સાઇમેન્ટને જપ્ત કરવાના કસ્ટમ વિભાગના ઓર્ડરને રદ કર્યો હતો.
કસ્ટમ્સ કમિશનરે એવો દાવો કરીને માલ જપ્ત કર્યો હતો કે બોડી મસાજરનો ઉપયોગ એડલ્ટ સેક્સ ટોય તરીકે થઈ શકે છે અને આવી વસ્તુઓની આયાત પર પ્રતિબંધ છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે બોડી મસાજરનો ઉપયોગ એડલ્ટ સેક્સ ટોય તરીકે થઈ શકે છે તે સ્પષ્ટપણે કસ્ટમ્સ કમિશનર એક કપોળ કલ્પના છે.
અગાઉ સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ સર્વિસ ટેક્સ ટ્રિબ્યુનલે બોર્ડ મસાજર જપ્ત કરવાના કસ્ટમ વિભાગના આદેશને રદ કર્યા હતો. ટ્રિબ્યુનલના આ આદેશને કસ્ટમ કમિશનરે મે 2023માં હાઇકોર્ટમાં પડકાર્યો હતો.
હાઈકોર્ટે નોંધ્યું હતું કે બોડી મસાજ માટેનું એક મશીન કેવું હોય અને તેના કેવા કલ્પિત ઉપયોગ હોય તે અંગેની આબેહૂબ કલ્પના કરતાં કમિશનરે રજૂ કરેલા તારણો વિશિષ્ટ છે અને સ્પષ્ટપણે ખૂબ જ આશ્ચર્યજનક અને ખૂબ જ દૂરની કપોળ કલ્પના લાગે છે. તે સ્પષ્ટપણે કમિશનરની કપોળ કલ્પના છે. આ માલ પ્રતિબંધિત આઇટમ છે તેવી કલ્પના પણ તેમની પોતાની છે. કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે સ્થાનિક બજારોમાં બોડી મસાજર્સનો વેપાર થાય છે અને તેને પ્રતિબંધિત વસ્તુઓ તરીકે ગણવામાં આવતી નથી.
કસ્ટમ કમિશનની ટીકા કરતાં કોર્ટે જણાવ્યું હતું કે કમિશનર એક સમજદાર અધિકારી તરીકે કામ કરવામાં નિષ્ફળ રહ્યાં છે. આવા અધિકારી પાસેથી માલની મંજૂરીના મુદ્દાનો નિર્ણય કરતી વખતે વ્યાજબી રીતે કાર્ય કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. મસાજર્સ જેવા મશીનોને અશ્લીલ બુક, પેમ્ફલેટ, પેપર અને વસ્તુ સાથે સરખાવી શકાય નહીં.
કમિશનરે દાવો કર્યો હતો કે સામાન પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેતા પહેલા નિષ્ણાતોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. નિષ્ણાતોએ અભિપ્રાય આપ્યો હતો કે બોડી મસાજરના બીજા ઉપયોગ થઈ શકે છે. જોકે કોર્ટે આવા દાવાનો પણ સ્વીકાર્યો ન હતો.