હેરો ઇસ્ટના બ્રિટિશ કન્ઝર્વેટિવ સંસદ સભ્ય બોબ બ્લેકમેને તા. 14ને મંગળવારે ભારતની ન્યૂઝ18 સાથે વાત કરતા કહ્યું હતું કે ‘’વડા પ્રધાન નરેન્દ્ર મોદી પરની બીબીસીની ડોક્યુમેન્ટરી “સંપૂર્ણપણે અતિશયોક્તિપૂર્ણ છે અને બીબીસી બ્રિટિશ સરકારના મંતવ્યોનું પ્રતિનિધિત્વ કરતું નથી. આ ડોક્યુમેન્ટરી એક હેટચેટ જોબ છે.”
બ્લેકમેને ઉમેર્યું હતું કે બે ભાગની શ્રેણી “નબળા પત્રકારત્વનું પરિણામ છે; ખરાબ રીતે સંશોધન કરવામાં આવ્યું છે; અને સંપૂર્ણપણે ગેરવાજબી છે. ચીન ભારતને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતીય અર્થતંત્ર પ્રશંસનીય પ્રદર્શન કરી રહ્યું છે. યુકે અને ભારત શ્રેષ્ઠ મિત્રો છે. અમે ઈચ્છીએ છીએ કે યુએનએસસીમાં ભારતનું કાયમી સ્થાન હોવું જોઈએ.’’
મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બનેલી ઘટનાઓનું પોતાની રીતે વર્ણન કરતી બીબીસી ડોક્યુમેન્ટરીએ ભારતમાં અને વિદેશમાં એક મોટો વિવાદ ઉભો કર્યો છે.
મોદી સરકારે ડોક્યુમેન્ટ્રી ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ પર કડક કાર્યવાહી કરી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર અને યુટ્યુબને ફિલ્મને શેર કરતી ટ્વીટ્સ અને વીડિયો ડિલીટ કરવાનો આદેશ આપ્યો હતો.
આ અગાઉ, બ્લેકમેને એક ટ્વીટ કરી ઘાતકી નરસંહાર અને કાશ્મીરી પંડિતો પરના અત્યાચારો વિશે લોકોને શિક્ષિત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. 1990માં કાશ્મીરી પંડિતોને તેમના ઘર છોડીને ભાગી જવાની ફરજ પડી હતી. અમે આ અત્યાચારો વિશે લોકોને શિક્ષિત કરવાનું ચાલુ રાખીશું.”
ગત 25 જાન્યુઆરીના રોજ, બ્રિટિશ હિંદુઓ માટે ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ, કાશ્મીરી પંડિત ડાયસ્પોરા અને સાથીઓએ કાશ્મીરી પંડિતોના નરસંહારના 33 વર્ષની હાઉસ ઓફ પાર્લામેન્ટ, લંડન ખાતે ઉજવણી કરી હતી. બ્રિટિશ હિંદુઓ માટેના એપીપીજી જૂથના અધ્યક્ષ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી બોબ બ્લેકમેન દ્વારા તેનું આયોજન કરાયું હતું.