વડાપ્રધાન બોરીસ જ્હોન્સને આગામી 2 ડિસેમ્બર પછીના લોકડાઉન ‘ટિયર્સ’ની જાહેરાત કરી છે. તેમણે વધતી જતી કોવિડ-19 રસીની આશાઓ વચ્ચે બની શકે તો લોકોને ઘરેથી કામ કરવાની વિનંતી કરી જીમ, શોપ્સ અને લેઝર સેન્ટર્સ ખોલવાની જાહેરાત કરી હતી. ક્રિસમસ પર કાર્ડ્સ તેમજ અન્ય ખરીદી કરવા રિટેલ માટેના નિયમો હળવા કરવામાં આવશે. પબ અને રેસ્ટૉરન્ટ્સ માટેના કર્ફ્યુ નિયમો 11 વાગ્યા સુધી લંબાવવામાં આવશે. વડા પ્રધાન ત્રણ કુટુંબોને હળવા મળવા માટે સ્કોટલેન્ડના નેતા નિકોલા સ્ટર્જન સાથે મળીને ક્રિસમસ પર્વ પ્રસંગે યુકે ભરમાં સંમતિ આપવાની નજીક છે.
નવા સંભવીત નિયમો મુજબ ટિઅર વન એટલે કે મીડીયમ રીસ્ક વિસ્તારમાં આવેલા પબ્સ રૂલ ઓફ સિક્સ નિયમ અંતર્ગત રાત્રે 11 સુધી ખોલી શકાશે તેમજ સંભવત: વધુ ઘરના લોકો મળી શકશે. સપોર્ટ બબલ્સના લોકો સિવાયના લોકો સાથે ઘરમાં કે ઘરની બહાર મહત્તમ 6 લોકોને મળી શકાશે.
ટિયર ટુ એટલે કે હાઇ રીસ્ક વિસ્તારોમાં પબ્સ માત્ર ભોજન જ આપી શકશે. સપોર્ટ બબલ્સ સિવાયના લોકો સાથે ઘરમાં મળી શકાશે નહિં. પણ ઘરની બહાર મહત્તમ 6 લોકોને મળી શકાશે. જ્યારે ટિયર થ્રી એટલે કે ખૂબ હાઇ રિસ્ક વિસ્તરોમાં સિનેમા બંધ રહેશે પણ જીમ ખોલી શકાશે. પબ્સ અને રેસ્ટોરંટ્સ માત્ર ટેકઅવે ઓર્ડર જ લઇ શકશે. સપોર્ટ બબલ્સ સિવાયના લોકો સાથે ઘરમાં કે ઘરની બહાર મોટાભાગના સ્થળોએ મળી શકાશે નહિં. ફક્ત પાર્ક, પબ્લિક ગાર્ડન્સ અને સ્પોર્ટ્સ કોર્ટમાં 6 લોકોને મળી શકાશે. ત્રણેય ટિયરમાં નોન એસેન્શીયલ શોપ્સ ખોલી શકાશે.
ડાઉનિંગ સ્ટ્રીટમાં સેલ્ફ આઇસોલેશન ભોગવતા વડા પ્રધાન બોરીસ જ્હોન્સને કહ્યું હતું કે બીજુ રાષ્ટ્રીય લોકડાઉન તા. 2 ડિસેમ્બરના રોજ ઇંગ્લેન્ડમાં સમાપ્ત થશે. બે નીચલા સ્તરે આવેલા વિસ્તારોમાં દર્શકો ધરાવતી રમતો પણ મર્યાદિત પ્રમાણમાં પુનરાગમન કરી શકશે. પબ્સ અને રેસ્ટૉરન્ટ્સે ‘વિનાશક’ પ્રતિબંધોના કારણે કિંમત ચૂકવવી પડશે અને ત્રીજા ભાગની હોસ્પિટાલિટી કંપનીઓ નાદાર થઇ શકે છે.
જોકે પબ્સ પરનો 10 વાગ્યે બંધ કરવાનો દ્વેષપૂર્ણ દ્વેષી કર્ફ્યુ હળવો કરવામાં આવી રહ્યો છે. ટિઅર ટુ વિસ્તારોમાં ભોજન સાથે જ આલ્કોહોલના વેચાણને મંજૂરી આપવામાં આવશે. જ્યારે જોખમી વિસ્તારોમાં ફક્ત ટેક-અવેની જ સેવા આપવામાં આવશે. કોવિડ-19ની રસી સફળ થવાની આશા સાથે જ્હોન્સને ઘોષણા કરી હતી કે નવા કર્બ્સ માર્ચ માસના અંતમાં કાયદા દ્વારા સમાપ્ત થઈ જશે.
તેમણે જણાવ્યું હતું કે બ્રિટનના નાગરીકોને ‘અમુક પ્રકારની ક્રિસમસ’ આપવાની જરૂર છે, અને યુકેભરની વ્યાપક દરખાસ્તો ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. પરંતુ વૃદ્ધ સબંધીઓને મળવા જવાના જોખમો અંગે પરિવારોને સાવચેતી રાવા જણાવ્યું હતું. એક વર્ષથી ઓછી વયનુ બાળક ધરાવતા લોકો હવે એક બીજા ઘર સાથે બબલ બનાવી શકશે.
કયા વિસ્તારોમાં કેવા ટિયર્સ રહેશે તે ગુરૂવારે જાહેર કરાશે અને ઓછામાં ઓછા દર પખવાડિયામાં ટિઅર્સની સમીક્ષા કરવામાં આવશે. સાંસદો આવતા અઠવાડિયે આ યોજનાઓ પર મત આપશે. નવી જાહેરાતોથી વિરોધી ટોરી એમપીઓ પણ ખુશ થયા છે.