વડા પ્રધાન બોરિસ જ્હોન્સને જણાવ્યું છે કે ‘’કોવિડ-19 રોગચાળાના ચેપના ફેલાવાને રોકવા માટે ચહેરા પર ફેસ માસ્ક પહેરવાના કડક નિયમો લાગુ કરવાની જરૂર પડી શકે છે અને ઇંગ્લેન્ડની દુકાનોમાં વધુ લોકો ફેસ માસ્ક પહેરે તે જોવું મને ગમશે.’’
જ્હોન્સને પ્રજા સાથેના પૂર્વ-રેકોર્ડ પ્રશ્નોત્તરી સત્રમાં જણાવ્યું હતું કે “મને લાગે છે કે લોકોએ ઇન્ડોર અને અજાણ્યા લોકોને મળવાનું થાય તેવી જગ્યાઓએ ખાસ આગ્રહ રાખીને ચહેરો ઢાંકી રાખે તેની જરૂર છે. હું માનુ છું કે વૈજ્ઞાનિક પુરાવા બતાવે છે કે ચહેરો ઢાંકવો ઉપયોગી બને છે અને તે લોકડાઉન પ્રતિબંધ હળવો થતાં કેસોમાં વધારો અટકાવવામાં મહત્વપૂર્ણ બનશે. તેથી જ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં માસ્ક પહેરવું પહેલેથી જ ફરજિયાત છે અને અમે સુનિશ્ચિત કરવાની રીતો શોધી રહ્યા છીએ કે જ્યારે લોકો દુકાનમાં હોય કે જ્યાં ચેપ લાગવાની શક્યતાઓ વધુ હોય ત્યાં તેઓ માસ્ક પહેરે.”
બ્રિટનમાં યુરોપમાં સૌથી વધુ 45,000 લોકો કોરોનાવાયરસના કારણે મૃત્યુ પામ્યા છે અને શુક્રવારે કોવિડ-19ના પ્રજનન દર (R રેટ) માં થોડો વધારો દર્શાવ્યો હતો, જોકે નવા ચેપનો આંક સતત ઘટતો જાય છે. ઇંગ્લેન્ડમાં લોકોને ફક્ત જાહેર પરિવહન અને હોસ્પિટલોની મુલાકાત લેતી વખતે ફેસ માસ્ક પહેરવાનું ફરજીયાત છે, પરંતુ શુક્રવારે સ્કોટલેન્ડે દુકાનમાં પણ ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું હતું.
ઇંગ્લેન્ડમાં બિન-આવશ્યક ચીજ-વસ્તુઓ વેચતી દુકાનો 15 જૂનથી અને હેરડ્રેસર, પબ અને રેસ્ટોરન્ટ્સે ગયા શનિવાર તા. 11થી ફરીથી ધંધો શરૂ કર્યો હતો. જોકે દુકાનો અને કાફેમાં ગ્રાહકોની સંખ્યા રોગચાળા પહેલા કરતા અડધા જેટલી છે.