બ્રિટનની પ્રજાએ ઇપ્સોસના ઓનલાઇન સર્વેમાં ટૂંક સમયમાં જ વડાપ્રધાનનું પદ છોડનારા બોરિસ જૉન્સનને યુદ્ધ પછી સૌથી ખરાબ દેખાવ કરનાર વડાપ્રધાન ગણાવ્યા છે.
19 અને 22 ઓગસ્ટની વચ્ચે હાથ ધરવામાં આવેલા સર્વેમાં ભાગ લેનારા ૧,૧૧૧ લોકો પૈકી ૪૯ ટકા લોકોએ જૉન્સનને, ૪૧ ટકા લોકોએ થેરેસા મે’ને અને ૩૮ ટકા લોકોએ ડેવિડ કેમરનને સૌથી ખરાબ વડાપ્રધાન ગણાવ્યા હતાં. ઓનલાઇન સર્વેમાં ૧૯૪૫ પછી બ્રિટનના વડાપ્રધાનોને રેટિંગ આપવા જણાવવામાં આવ્યું હતું.
૬૨ ટકા લોકોના મતે વિન્સટ્ન ચર્ચીલ અને ૪૩ ટકા લોકોનાં મતે માર્ગરેટ થેચર સૌથી સારા વડાપ્રધાન હતાં. ૩૬ ટકા લોકોનાં મતે ટોની બ્લેર પણ સારા વડાપ્રધાન હતાં.
જૉન્સન પોતાના વડાપ્રધાન પદના છેલ્લા દિવસોમાં પરમાણુ ઉર્જાને સસ્તી અને સ્વચ્છ બનાવવા પર ભાર મૂકી રહ્યાં છે. તેમણે વિરોધ પક્ષની ટીકા કરતા જણાવ્યું હતું કે લેબર સરકારે ૧૩ વર્ષોમાં પરમાણુ ઉદ્યોગને વિકસિત કરવા માટે કંઇ પણ કર્યુ નથી.
ઇપ્સોસના રાજકીય સંશોધન નિયામક કેઇરન પેડલીએ જણાવ્યું હતું કે ‘’વિન્સ્ટન ચર્ચિલે યુદ્ધ સમયના નેતા તરીકે સારું કામ કર્યું હતું અને તેઓ સર્વેમાં વડા પ્રધાનોની યાદીમાં ટોચ પર છે. તેમના પછી માર્ગારેટ થેચરનો નંબર આવે છે. જ્યારે બોરિસ જૉન્સન તે યાદીમાં ચોથા સ્થાને રહે છે. પરંતુ ખરાબ કામ કરવા બદલ તેઓ આ યાદીમાં ટોચ પર રહે છે. લગભગ 33 ટકા લોકો કહે છે કે પાર્ટીગેટ કૌભાંડથી પ્રભાવિત જૉન્સને સારું કામ કર્યું છે.’’
પોલમાં થેરેસા મેના માઈનસ 13 અને કેમરનના માઈનસ 8ની સરખામણીમાં જૉન્સનનું નેટ રેટિંગ માઈનસ 16 હતું.