TUC દ્વારા તા. 14ના રોજ પ્રકાશિત થયેલ નવા વિશ્લેષણ મુજબ અસુરક્ષિત કામમાં અશ્વેત અને વંશીય લઘુમતી કામદારો (BME) ની સંખ્યા 2011માં 360,200 હતી તેના કરતા 2022 સુધીમાં તે 836,340 એટલે કે બમણા કરતાં પણ વધી ગઇ છે. શ્વેત પુરૂષો કરતાં BME પુરૂષો અસુરક્ષિત હોય તેવા કામમાં લગભગ બમણી સંખ્યામાં કામ કરે છે. જ્યારે શ્વેત સ્ત્રીઓની સરખામણીમાં BME સ્ત્રીઓ અસુરક્ષિત ક્ષેત્રમાં કામ કરે તેવી શક્યતા વધારે છે.
ઓછો પગાર, પરિવર્તનશીલ કલાકો, કામદારો માટે ઓછા અધિકારો અને કામદારો માટે કોઇ રક્ષણ વ્યવસ્થા ન હોય તેવા ક્ષેત્રને અસુરક્ષિત કામ કહેવાય છે. આનો અર્થ એ છે કે તેમના કલાકો મેનેજરોની ધૂન પર આધીન હોઈ શકે છે અને તેઓ સૂચના વિના કામ ગુમાવી પણ શકે છે. અસુરક્ષિત કામમાં BME કામદારોની અપ્રમાણસર સંખ્યા “માળખાકીય જાતિવાદ” દર્શાવે છે એમ TUCએ જણાવ્યું છે.
BME વર્કરની અસુરક્ષિત નોકરીમાં હોવાની શક્યતા 2011માં દર 8માં 1ની હતી જે હવે દર 6માંથી 1ની થઇ છે. BME કામદારો એકંદર વર્કફોર્સના માત્ર 14 ટકા છે અને આ સમયગાળામાં અસુરક્ષિત કામદારોની વૃદ્ધિમાં BME કામદારોનો હિસ્સો 66 ટકા થઇ છે.
TUC કહે છે કે UK “અસુરક્ષિત નોકરીઓનું રાષ્ટ્ર” બની રહ્યું છે. અસુરક્ષિત રોજગારમાં કુલ 3.9 મિલિયન લોકો છે – જે સમગ્ર વર્કફોર્સમાં 9માંથી 1 છે. લંડનના (13.3 ટકા) અને સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડમાં (12.7 ટકા) અસુરક્ષિત નોકરીઓમાં કામ કરતા લોકોનું પ્રમાણ સૌથી વધુ છે. આ ક્ષેત્રમાં પ્રાથમિક વ્યવસાયો, કેરીંગ, અને લેઝર સેવાઓ અને પ્રોસેસ, પ્લાન્ટ અને મશીન ઓપરેટિવ્સ છે.