ન્યૂયોર્કના પૂર્વ મેયર માઈક બ્લૂમબર્ગે અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાંથી પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે અને પૂર્વ ઉપ-રાષ્ટ્રપતિ જો બિડેનને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. અમેરિકાની વિપક્ષ ડેમોક્રેટિક પાર્ટીમાં રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટેની હરીફાઈ હવે પૂર્વ ઉપ-રાષ્ટ્રપતિ જો બિડેન અને સીનેટર બર્ની સેન્ડર્સ વચ્ચે સીમિત રહી ગઈ છે.
થોડા દિવસો પહેલા મંગળવારે 14 રાજ્યોમાં યોજાયેલી પ્રાઈમરી ચૂંટણીમાં આ બંને નેતાઓ વચ્ચે જ મુખ્ય મુકાબલો જોવા મળ્યો હતો અને બાકીના ઉમેદવારો રેસમાંથી બાકાત રહ્યા હતા. આ રાજ્યોની આંતરિક ચૂંટણીમાં બાકીના ત્રણ ઉમેદવારો ખરાબ રીતે ધોવાઈ ગયા હતા.
ઉપરાંત પ્રાઈમરી ચૂંટણીના પ્રચાર માટે 50 કરોડ ડોલર (આશરે 3,600 કરોડ રૂપિયા)નો ખર્ચ કરનારા મીડિયા મુગલ, ન્યૂયોર્કના પૂર્વ મેયર માઈક બ્લૂમબર્ગનો હાથ પણ ખાલી રહ્યો હતો. 14 રાજ્યોની ચૂંટણીમાં બિડેને નવ રાજ્યોમાં વિજય નોંધાવ્યો હતો જ્યારે બાકીના રાજ્યો સેન્ડર્સના ખાતામાં ગયા હતા.
77 વર્ષીય બિડેને 228 ડેલિગેટ્સવાળા (પ્રતિનિધિવાળા) ટેક્સાસ, વર્જીનિયા, નોર્થ કેરોલિના, અલબામા, અરકંસાસ, ઓક્લોહોમા, ટેનેસી, મૈસાચ્યુસેટ્સ અને મિનિસોટા રાજ્યોમાં વિજય મેળવ્યો હતો. જ્યારે 78 વર્ષી સેન્ડર્સે 415 પ્રતિનિધિવાળા કેલિફોર્નિયા સહિત ઉટાહ, કોલોરાડો અને પોતાના ગૃહરાજ્યમાં વર્મોટમાં વિજય મેળવ્યો હતો. અમેરિકાની પ્રથમ હિંદુ સાંસદ તુલસી ગબાર્ડ પોતાની છાપ છોડવામાં અસફળ રહી હતી અને સીનેટર એલિઝાબેથ વારેનને પણ પોતાના ગૃહરાજ્યમાં હારનો સામનો કરવો પડયો હતો.