આરોગ્ય વિભાગના વડાઓએ ‘વિશ્વનું સૌથી વિસ્ફોટક કેમિકલ’ ધરાવતી અને કેન્સરનું કારણ બનતી સામાન્ય બ્લડ પ્રેશર ગોળીઓના ડઝનેક બેચીસને પાછી મંગાવી છે. મેડિસીન્સ અને હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સીએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત દવાઓમાં એજીડો-ટેટ્રાઝોલ હોય છે અને તે કેન્સરનું જોખમ વધારે છે. વૈજ્ઞાનિકે આ પદાર્થને વિશ્વનું સૌથી વિસ્ફોટક કેમિકલ જાહેર કર્યું છે.

ઇર્બેસાર્ટન અને લોસાર્ટન ધરાવતી અસરગ્રસ્ત દવાઓ કેન્સર પેદા કરતી અશુદ્ધતાને કારણે અને ફાર્મસીઓમાંથી પાછી ખેંચાઈ હતી. કેટલીક ગોળીઓઓ તો બે વર્ષથી બજારમાં છે અને બ્રિટનના લાખો લોકો લે છે. ચીન અને ભારતના કારખાનાઓમાં બનતી સાર્ટન પ્રકારની દવાઓ કેન્સર માટે જોખમ ઉભુ કરે છે. આ પગલું માત્ર સાવચેતી ખાતર લેવાયું છે અને દર્દીઓને કોઈ નુકસાન પહોંચાડ્યું હોવાનો કે કોઈ ગોળીઓમાં ધડાકો થયો હોવાના પુરાવા નથી.

બ્રિસ્ટોલ લેબોરેટરીઝ લિમિટેડ, બ્રાઉન એન્ડ બર્ક યુકે લિમિટેડ અને તેવા યુકે લિમિટેડ દ્વારા પૂરી પાડવામાં આવેલી 31 બેચીસના સ્ટોક પર જ આ પગલું લાગુ પડે છે.

દર્દીઓનો જણાવવામાં આવ્યું છે કે ‘જો તમે અસરગ્રસ્ત દવાઓમાંથી કોઈ એક લઈ રહ્યા છો, તો કોઈ પણ સારવાર બંધ કરતા પહેલા તમારા ડૉક્ટર અથવા ફાર્માસિસ્ટ સાથે જરૂર વાત કરો. તેઓ તમને શ્રેષ્ઠ સલાહ આપી શકે છે.’