સિટી ઑફ લંડન કોર્પોરેશનની નીતિ અને સંસાધન સમિતિએ નિર્ણય કર્યો છે કે, ટ્રાંઝેટલાન્ટિક ગુલામ વેપારની લિંક્સ સાથે ધરાવતા સીટી ઓફ લંડનના બે અગ્રણીઓ વિલિયમ બેકફોર્ડ અને સર જોન કાસની ઐતિહાસિક ગિલ્ડહોલ હેડક્વાર્ટર ખાતે આવેલી મૂર્તિઓને દૂર કરી બીજા સ્થળે ખસેડવામાં આવશે.
1700ના દાયકાના અંતમાં લંડનના બે વખત લોર્ડ મેયર બનેલા વિલિયમ બેકફોર્ડે જમૈકાના વાવેતરમાંથી સંપત્તિ એકત્રીત કરી હતી અને આફ્રિકન ગુલામોને પકડ્યા હતા. 17 અને 18મી સદીના વેપારી, એમપી અને ફીલાન્થ્રોપીસ્ટ સર જ્હોન કાસે પણ ગુલામોના વેપારથી લાભ મેળવ્યો હતો.
સીટી કોર્પોરેશન આ કામની દેખરેખ માટે એક કાર્યકારી જૂથ બનાવશે અને શહેરમાં ગુલામ વેપાર માટે નવું સ્મારક બનાવવાની વિચારણા કરશે. સિટી કોર્પોરેશનના ટેકલીંગ રેસીઝમ ટાસ્કફોર્સ દ્વારા આ પગલાની ભલામણ કરવામાં આવી હતી. જેની બ્લેક લાઇવ્ઝ મેટર્સના વિરોધના પગલે જૂન મહિનામાં સ્થાપના કરવામાં આવી હતી.
ગયા વર્ષે, સિટી કોર્પોરેશને ગુલામી સાથે સંકળાયેલા સ્ક્વેર માઇલમાં મૂર્તિઓ અને અન્ય સીમાચિહ્નો પર લોકોને તેમના મંતવ્યો પૂછવા માટે કન્સલેટેશન કર્યું હતું જેમાં 1,500 થી વધુ પ્રતિસાદ મળ્યા હતા.
સિટી ઑફ લંડન કોર્પોરેશન પોલિસી ચેર કેથરિન મેકગ્યુનીસે કહ્યું હતું કે “આ નિર્ણય વધુ સમાવિષ્ટ અને વૈવિધ્યસભર શહેર તરફની અમારી યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.”
સિટી ઑફ લંડન કોર્પોરેશન, ટેકલીંગ રેસીઝમ ટાસ્કફોર્સના કો-ચેર કેરોલિન એડીએ કહ્યું હતું કે “અમને લાગે છે કે સંવેદનશીલ મુદ્દા માટે યોગ્ય પ્રતિસાદ છે. ગુલામ વેપાર એ આપણા ઇતિહાસ પરનો ડાઘ છે અને જેણે તેનાથી નફો કર્યો છે તેને આધુનિક, વૈવિધ્યસભર શહેરમાં કોઈ સ્થાન નથી.”