‘બ્લેક લાઇવ્સ મેટર્સ’ વિરોધ પ્રદર્શન કરતા દેખાવકારો દ્વારા આચરવામાં આવેલી હિંસામાં બુધવાર તા. 3થી રવિવાર સુધીમાં લંડનમાં કુલ 62 પોલીસ અધિકારીઓ ઘાયલ થઇ ચૂક્યા છે અને 65 લોકોની ધરપકડ કરાઇ છે.
પોલીસ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્હોન અપ્ટેરે જણાવ્યું હતું કે ‘’પોલીસ અધિકારીઓ સાથે સૌથી નબળી હિંસા આચરવામાં આવી હતી. શહીદ સ્મારક સેનોટાફને જે રીતે નુકસાન કરાયું છે તે જોવું દુ:ખદાયક છે. આ ગેરકાનુની કૃત્યને ન્યાયી ઠેરવવાનો પ્રયાસ કરવો એ પણ બીનજવાબદારીભર્યુ છે.”
રવિવારે રાત્રે એક દેખાવકારની ધરપકડથી અશાંતિ ફેલાઇ હતી અને ગુસ્સે ભરાયેલા ટોળાએ નિશસ્ત્ર પોલીસ પર કચરાપેટીઓ, ફટાકડા અને કાચની બોટલો વડે હુમલો કર્યો હતો. જેમાં એક અધિકારીને માથામાં અને બીજાને ખભા પર ઈજા થઇ હતી. વિરોધ કરતા લોકો ઝાડુ અને લાકડાના પાટિયા વડે પોલીસને મારતા નજરે ચડ્યા હતા. જેમાં નિ:શસ્ત્ર અધિકારીઓને પીછેહઠ કરી ભાગવાની ફરજ પડી હતી.
30,000થી વધુ ફ્રન્ટ લાઇન પોલીસ અધિકારીઓનું પ્રતિનિધિત્વ કરતા મેટ્રોપોલિટન પોલીસ ફેડરેશને સોમવારે તેના અધિકારીઓને હેલ્મેટ અને શિલ્ડ સહિત – યોગ્ય રીતે સુરક્ષિત અને સજ્જ રહેવાની હાકલ કરી હતી. ચેરમેન કેન માર્શે જણાવ્યું હતું કે ‘’એવું લાગે છે કે અમે અમારા બહાદુર પોલીસ અધિકારીઓને બચાવવા અને વ્યવસ્થા જાળવવાને બદલે આપણે સૌ આપણી છબી અને દ્રષ્ટિ વિશે વધુ ચિંતિત છીએ. મને ખબર નથી કે મારા સાથીઓએ આવા પ્રકારના ઘૃણાસ્પદ દુર્વ્યવહાર અને હુમલા બાબતે શું કર્યું છે. પરંતુ રોગચાળા દરમિયાન જે થયું તે સંપૂર્ણપણે વાહિયાત અને અયોગ્ય છે. સ્પષ્ટ છે કે કેટલાક લોકો જાતિવાદ વિરોધી આ વિરોધ પ્રદર્શનનો ઉપયોગ પોલીસ અધિકારીઓ પર હુમલો કરવાના બહાના તરીકે કરે છે.”
મેટ્રોપોલિટન પોલીસ કમિશનર ક્રેસિડા ડિકે સોમવારે કહ્યું હતું: “આપણે જોઇ તે હિંસક ગુનાહિત પ્રવૃત્તી શરમજનક છે અને આ અંગે તપાસ ચાલી રહી છે.”