યુએસ સ્ટેટ ડીપાર્ટમેન્ટ દ્વારા કોંગ્રેસમાં આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અંગેનો વાર્ષિક રીપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ભારતમાં વર્ષ 2021માં લઘુમતી સમુદાયો પર હુમલા, હત્યા, અને ધાકધમકી સહિતની અનેક ઘટનાઓ સમગ્ર વર્ષ દરમિયાન ઘટી છે.
સ્ટેટ ડીપાર્ટમેન્ટની મુખ્ય ઓફિસ- ફોગ્ગી બોટમ ખાતે સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટોની બ્લિનકેને આ રીપોર્ટ જાહેર કરતા જણાવ્યું હતું કે, તેમાં વિશ્વભરમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ અને તેના ઉલ્લંઘન મુદ્દે પોતાનો દૃષ્ટિકોણ રજૂ કરવામાં આવ્યો છે, અને તેમાં દરેક દેશ મુજબ અલગ પ્રકરણ છે.
અગાઉ ભારતે અમેરિકાના આવા ધાર્મિક સ્વતંત્રતા અંગેના રીપોર્ટને ફગાવતા જણાવ્યું હતું કે, તે વિદેશી સરકારને તેના નાગરિકોના બંધારણીય રીતે સુરક્ષિત અધિકારોની સ્થિતિ અંગે ટિપ્પણી કરવાનો કોઇ અધિકાર નથી.
રીપોર્ટમાં ભારતમાં ધાર્મિક લઘુમતીઓની સ્થિતિ અંગે કોઈપણ પ્રકારનો અભિપ્રાય આપવાનું ટાળવામાં આવ્યું છે, પરંતુ ભારતીય મીડિયામાં અને ભારત સરકારના રીપોર્ટસમાં તેમ તેના વિવિધ પાસાઓના ડોક્યુમેન્ટ્સને રજૂ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત રીપોર્ટમાં વિવિધ બિન-નફાકારક સંસ્થાઓ અને લઘુમતી સંસ્થાઓના તેમના પરના હુમલા અંગેના આક્ષેપોને પણ છૂટથી ટાંકવામાં આવ્યા છે, પરંતુ આવા હુમલામાં મોટાભાગે અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસના પરિણામો, સરકારના જવાબો અંગે કોઇપણ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી છે.
આ રીપોર્ટના ભારત અંગેના વિભાગમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘ધાર્મિક લઘુમતી સમુદાયોના સભ્યો પર હુમલા, હત્યાઓ, અને ધાકધમકીનો સમાવેશ થાય છે, તેમાં ગૌહત્યા અથવા ગૌમાંસના વેપારના આક્ષેપોના આધારે બિન-હિન્દુઓ વિરુદ્ધ ‘ગાય જાગૃત્તિ’ની ઘટનાઓનો પણ સમાવેશ થાય છે.’ મીડિયા રીપોર્ટમાં જણાવ્યા મુજબ, સરકારે જણાવ્યું હતું કે, અનેક સંસ્થાઓએ તેમના રીન્યુઅલ માટે સમયસર અરજી કરી નહીં હોવાથી મોટી સંખ્યામાં ધાર્મિક સંસ્થાઓ સહિત 5,789 બિન સરકારી સંગઠનોના FCRA લાયસન્સ રદ્ થઈ ગયા. વધુમાં, વર્ષ દરમિયાન સરકારે આવા 179 સંગઠનોના FCRA લાયસન્સ રદ્ કર્યા હતા, જેમાં કેટલાક ધાર્મિક સંગઠનો હતા.
————–