ભારતીય જનતા પાર્ટીએ શનિવારે રાષ્ટ્રીય કાર્યકારણીના નવા પદાધિકારીઓના નામ જાહેર કર્યા છે. જેમાં નવ મહિલા અને બે મુસ્લિમ નેતાઓનો સમાવેશ છે. પક્ષના મહામંત્રી અને કેન્દ્રિય કાર્યાલયના પ્રભારી અરુણ સિંહે આ યાદી જાહેર કરી હતી. જેમાં 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, 8 રાષ્ટ્રીય મહામંત્રી, 13 રાષ્ટ્રીય સચિવ, કોષાધ્યક્ષ અને સહ-કોષાધ્યક્ષનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય મહામંત્રીમાં એક પણ મહિલા નથી, જોકે ઉપાધ્યક્ષપદે પાંચ અને સચિવમાં ચાર મહિલાઓને સ્થાન મળ્યું છે. રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાની નવી ટીમમાં ગુજરાતમાંથી એક પણ નેતાને સ્થાન મળ્યું નથી, જ્યારે મહારાષ્ટ્રના ત્રણ નામોને ફરી તક મળી છે. જેમાં રાષ્ટ્રીય મહામંત્રી તરીકેની જવાબદારી વિનોદ તાવડેને સોંપાઇ છે. જ્યારે રાષ્ટ્રીય સચિવ તરીકે મહારાષ્ટ્રના વિજયા રાહટકર અને પંકજા મુંડેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાંથી ભાવનગરનાં સાંસદ ડો. ભારતીબેન શ્યાલનો નવી ટીમમાં ફરીથી સમાવેશ કરાયો નથી.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પંકજા મુંડેએ રાજકારણમાંથી બે મહિના દૂર રહેવાનો નિર્ણય લીધો હતો. પરંતુ અચાનક તેમને ફરીથી પક્ષમાં સક્રિય થવા માટે કહ્યું હતું.
આ ઉપરાંત છત્તીસગઢના પૂર્વ મૂખ્ય પ્રધાન રમણ સિંહ, સાંસદ સરોજ પાંડે અને લતા ઉસેંડી, રાજસ્થાનનાં પૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે સિંધિયા, ઝારખંડના પૂર્વ મુખ્ય પ્રધાન રઘુબીર દાસ, મધ્ય પ્રદેશના સૌદાન સિંહ, ઉત્તર પ્રદેશના સાંસદ લક્ષ્મીકાંત બાજપેઇ, સાંસદ રેખા વર્મા અને વિધાન પરિષદના સદસ્ય તારિક મન્સૂર, ઓડિશાના બૈજયંત પાંડા, તેલંગણાના ડી.કે. અરુણા, નાગાલેન્ડના એમ ચૌબા એઓ અને કેરલના અબ્દુલ્લા કટ્ટી જેવા નામો આ કાર્યકારીણીમાં છે. પ્રોફેસર તારિક મન્સુર અબ્દુલ કટ્ટી જેવા મુસ્લીમ ચહેરા પણ આ કાર્યકારણીનો ભાગ છે.