હરિયાણાની કુરુક્ષેત્ર લોકસભા બેઠક પર ભાજપે ઉદ્યોગપતિ નવીન જિંદાલને ટિકિટ આપી હતી. તેમણે ગત ગુરુવારે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હ. તેમાં પોતાની અને પત્ની શલ્લુની અંદાજે રૂ. એક હજાર કરોડની કરોડની જંગમ અને સ્થાવર મિલકતોની જાહેરાત કરી હતી.
કુરુક્ષેત્રમાં રીટર્નિંગ ઓફિસર સમક્ષ ઉમેદવારીપત્ર દાખલ કરનાર 54 વર્ષીય જિંદાલે જાહેર કર્યું હતું કે તેઓ કે તેમની પત્ની પાસે કોઈ વાહન નથી. કુરુક્ષેત્રથી જિંદાલના AAP પ્રતિસ્પર્ધી સુશીલ ગુપ્તાએ ગુરુવારે મતદારક્ષેત્રમાંથી ઉમેદવારી પત્ર પણ ભર્યું હતું અને રૂ.169 કરોડની સંપત્તિ જાહેર કરી હતી.
નવીન જિંદાલ દેશની અગ્રણી સ્ટીલ કંપની જિંદાલ સ્ટીલ એન્ડ પાવરના ચેરમેન છે. તેઓ ઉમેદવારી પત્ર ભરવા ગયા ત્યારે તેમની સાથે મુખ્ય પ્રધાન નયબ સિંહ સૈની હતા. અમેરિકામાં ડલ્લાસની યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાંથી MBA થયેલા જિંદાલે જાહેર કર્યું હતું કે તેમની અને તેમની પત્ની પાસે રૂ. 40 કરોડથી વધુની કિંમતનું સોનું અને અન્ય ઘરેણાં છે. ચૂંટણી એફિડેવિટમાં જિંદાલે જણાવ્યું હતું કે તેમની જંગમ સંપત્તિ આશરે રૂ.886 કરોડ અને તેમની પત્નીની જંગમ સંપત્તિ આશરે રૂ. 114 કરોડ છે. તેમની સ્થાવર મિલકતોમાં ઉત્તર પ્રદેશના દાદરીમાં 1.628 હેક્ટરની ખેતીની જમીન તથા 5,058 ચોરસ ફૂટની બિનખેતીની જમીનનો સમાવેશ થાય છે. આ જમીન આશરે રૂ.11 કરોડની છે. તેમના માથે રૂ.6.94 કરોડની નાણાકીય જવાબદારી પણ છે. નાણાકીય વર્ષ 2022-23 માટે તેમની કુલ આવક રૂ.74.83 કરોડ છે. માર્ચમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જિંદાલ 2004થી 2014 વચ્ચે કુરુક્ષેત્રના સાંસદ હતાં.

LEAVE A REPLY