ગુજરાતના છ શહેરો – અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરની મહાપાલિકાની ચૂંટણીઓ રવિવારે (21 ફેબ્રુઆરી) યોજાઈ હતી, તેના પરિણામો મંગળવારે (23 ફેબ્રુઆરી) જાહેર થતાં અપેક્ષા મુજબ તમામ છ શહેરોમાં ભાજપે જંગી બહુમતી સાથે સત્તા જાળવી રાખી હતી, તો સુરતમાં બે સૂચક પાસા ઉપસી આવ્યા હતા, જેમાં કોંગ્રેસને શહેરમાં એકપણ બેઠક નથી મળી, તો બીજી તરફ દિલ્હીમાં સત્તાધારી આમ આદમી પાર્ટી એટલે કે આપને 27 બેઠકો મળી છે.
બીજા મહત્ત્વના પાસા એ ઉપસી આવ્યા છે કે, જામનગરમાં માયાવતીની બસપાએ તેમજ અમદાવાદમાં ઓવૈસીની એમઆઈએમના ખાતા ખુલ્યા છે. રાજકોટમાં પણ કોંગ્રેસનું સંપૂર્ણ ધોવાણ થશે તે સંકેતો જણાતા હતા, ત્યારે આખરે ચાર બેઠક મળતા એ નામોશીમાંથી બચી ગઈ હતી.
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર સહિત રાજ્યની છ મહાનગરોના પરિણામો પછી ભાજપે અમદાવાદના જે પી ચોક ખાતે સાંજે ભવ્ય વિજયોત્સવની તૈયારીઓ ચાલુ કરી હતી.
અમદાવાદ મહાનગરપાલિકાની કુલ 192 બેઠકોમાંથી 165 બેઠકો પર ભાજપ આગળ હતો, જ્યારે કોંગ્રેસ 16 બેઠક પર આગળ હતી. અન્ય પક્ષોએ નવ બેઠકો પર સરસાઈ મેળવી હતી. ઔવેસીની પાર્ટીએ અમદાવાદ મનપામાં સાત બેઠકો પર જીત મેળવી હતી. જમાલપુર અને મકતમપુરામાં 7 બેઠકો પર ઔવેસીની પાર્ટી AIMIMનો વિજય થયો હતો.
2015માં અમદાવાદમાં ભાજપની 143 અને કોંગ્રેસની 48 બેઠકો હતી.
સુરતની કુલ 120 બેઠકોમાંથી ભાજપ 93 અને આમ આદમી પાર્ટીને 27 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો હતો. સુરતમાં કોંગ્રેસની જગ્યાએ આમ આદમી પાર્ટીએ ભાજપને ટક્કર આપી હતી. કોંગ્રેસના પરાજય બાદ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ રાજીનામું આપ્યું હતું. સુરત કોર્પોરેશનમાં 30 વર્ષ પછી કોંગ્રેસને એકપણ બેઠક મળી નથી. ગઈ ચૂંટણીમાં સુરતમાં ભાજપની 80 અને કોંગ્રેસની 36 બેઠકો હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 76 બેઠકોમાંથી ભાજપ 67 અને કોંગ્રેસને સાત બેઠક મળી હતી. આમ શહેરની મહાનગરપાલિકામાં સતત ચોથી વખત ભાજપે કબજો મેળવ્યો હતો. શહેરમાં વિસર્જિત બોર્ડમાં કોંગ્રેસની 14 અને ભાજપની 58 બેઠકો હતી.
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વતન રાજકોટમાં મહાનગરપાલિકની કુલ 72 બેઠકોમાંથી ભાજપ 68 બેઠક પર વિજય થયો હતો અને કોંગ્રેસને માત્ર ચાર બેઠક મળી હતી. રાજકોટમાં ૨૦૧૫માં કોંગ્રેસની ૩૪ અને ભાજપની 38 બેઠકો હતી. જામનગર મહાનગરપાલિકાની 64 બેઠકોમાંથી ભાજપ 50 અને કોંગ્રેસ 11 બેઠકો મળી હતી. માયાવતીના બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવારો પણ જીતવામાં સફળ રહ્યા રહ્યાં હતા. ભાવનગર મહાનગરપાલિકાની કુલ 52 બેઠકોમાંથી ભાજપ 44 અને કોંગ્રેસ આઠ બેઠક મળી હતી. ગત ચૂંટણીમાં ભાજપને 38 અને કોંગ્રેસને 24 બેઠકો મળી હતી.
આ રીતે રાજકોટ, ભાવનગર, વડોદરા અને સુરતમાં તો કોર્પોરેશનમાં ફક્ત બે જ રાજકીય પક્ષોનું પ્રતિનિધિત્વ રહ્યું છે, જ્યારે અમદાવાદ તથા જામનગરમાં ત્રીજા પક્ષોને સ્થાન મળ્યું છે. એકંદરે, દરેક શહેરમાં કોંગ્રેસ ગઈ ચૂંટણીની તુલનાએ બેઠકો ગુમાવી છે, તો ભાજપે વધુ બેઠકો મેળવી છે.