લોકસભાની ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશ, હિમાચલપ્રદેશ અને કર્ણાટકમાં રાજ્યસભાની કુલ 15 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં મોટાપાયે કોસ વોટિંગ થયું હતું અને તેનો ફાયદો ભાજપને થયો હતો. હિમાચલપ્રદેશમાં કોંગ્રેસના છ અને ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના આઠ ધારાસભ્યોના ક્રોસ વોટિંગને કારણે ભાજપના બે વધારાના ઉમેદવારોનો વિજય થયો હતો. બીજી તરફ કર્ણાટકમાં ભાજપના ધારાસભ્યે કોંગ્રેસની તરફેણમાં મતદાન કરતાં કોંગ્રેસને ફાયદો થયો હતો. કોંગ્રેસ અને સપાએ ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આક્ષેપ કર્યો હતો, જ્યારે ભાજપે અંતરાત્માનો અવાજ ગણાવ્યો હતો.
ઉત્તરપ્રદેશમાં 10, કર્ણાટકમાં ચાર અને હિમાચલપ્રદેશમાં એક બેઠક માટે મતદાન થયું હતું. હિમાચલપ્રદેશમાં કોંગ્રેસના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. તેનાથી ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનનો કોંગ્રેસના દિગ્ગજ નેતા અભિષેક મનુ સિંઘવી સામે વિજય થયો હતો. રસપ્રદ બાબત એ છે કે બંને ઉમેદવારોને એકસરખા 34 વોટ મળ્યા હતાં. તેથી ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતું અને તેમાં ભાજપના મહાજનને વિજેતા જાહેર કરાયાં હતાં. પરિણામથી સ્પષ્ટ થયું હતું કે કોંગ્રેસના છ ધારાસભ્યો અને ત્રણ અપક્ષોએ ભાજપની તરફેણમાં મતદાન કર્યું હતું. હાલમાં 68 સભ્યોની હિમાચલપ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસ પાસે 40, ભાજપના 25 જ્યારે ત્રણ અપક્ષ ધારાસભ્યો છે.
અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે ભાજપના 25 સભ્યોની સરખામણીમાં 40 સભ્યો ધરાવતા પક્ષ સામે ઉમેદવાર ઊભો રાખવાનું ભાજપનું પગલું એ સ્પષ્ટ સંદેશ છે કે ભાજપ કોઇપણ રીતે જીતવા માગે છે.
ઉત્તરપ્રદેશમાં પણ ભારે રાજકીય ડ્રામા થયો હતો. રાજ્યમાં ક્રોસ વોટિંગની ચિંતા વચ્ચે સપાના મુખ્ય દંડક મનોજ પાંડેએ મતદાન ચાલી રહ્યું હતું ત્યારે રાજીનામું આપ્યું હતું. સોમવારે અખિલેશ યાદવે બોલાવેલી બેઠકમાં સપાના આશરે આઠ ધારાસભ્યો હાજર રહ્યા ન હતાં. સપાના ધારાસભ્યોના ક્રોસ વોટિંગને કારણે સપાના ઉમેદવાર અને નિવૃત્ત IAS અધિકારી આલોક રંજન ભાજપના ઉદ્યોગપતિ ઉમેદવાર સંજય સેઠ સામે હારી ગયા હતાં.
યુપીમાંથી ભાજપના બીજા અન્ય સાત ઉમેદવારો જીત્યાં હતા. તેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી આરપીએન સિંહ, પૂર્વ સાંસદ ચૌધરી તેજવીર સિંહ, પાર્ટીના ઉત્તરપ્રદેશ એકમના જનરલ સેક્રેટરી અમરપાલ મૌર્ય, પૂર્વ રાજ્ય મંત્રી સંગીતા બલવંત (બિંદ), પાર્ટીના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી, પૂર્વ ધારાસભ્ય સાધના સિંહ. અને આગરાના ભૂતપૂર્વ મેયર નવીન જૈનનો સમાવેશ થાય છે.
એસપીના અભિનેતા-સાંસદ જયા બચ્ચન બીજી ટર્મ માટે વિજયી બન્યાં હતા, જ્યારે દલિત નેતા રામજી લાલ સુમને પાર્ટી માટે બીજી બેઠક જીતી હતી.
કર્ણાટકમાં ચાર બેઠકો માટે પાંચ ઉમેદવારો મેદાનમાં હતા. અજય માકન, જીસી ચંદ્રશેખર અને સૈયદ નસીર હુસૈન (તમામ કોંગ્રેસ) અને ભાજપના નારાયણસા કે ભંડાગે ચૂંટાઈ આવ્યાં હતાં. કર્ણાટકમાં ભાજપના ધારાસભ્ય એસ ટી સોમશેકરે કોંગ્રેસના અજય માકનના તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું હતું, જ્યારે ભાજપના ધારાસભ્ય એ શિવરામ હેબ્બર મતદાનથી દૂર રહ્યા હતાં. સોમશેખરે કહ્યું કે તેમણે “તેમના અંતરાત્માનો અવાજ” સાંભળ્યો હતો અને કોંગ્રેસની તરફેણમાં મત આપ્યો હતો.