ભારતમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે (11 એપ્રિલ) ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં ભાજપ 300થી વધુ બેઠકો જીતશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સુકાન સાથે ભાજપ સતત ત્રીજી ટર્મ માટે સત્તામાં પરત આવશે.
આસામના દિબ્રુગઢમાં ભાજપના કાર્યાલયનો શિલાન્યાસ કર્યા પછી એક જાહેરસભાને સંબોધન કરતાં અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પાર્ટી ઉત્તરપૂર્વના રાજ્યની 14 લોકસભા બેઠકોમાંથી 12 જીતશે. 2024ની લોકસભા ચૂંટણીમાં પાર્ટી 300થી વધુ બેઠકો જીતીને નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત વડાપ્રધાન બનાવશે.
કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા ભાજપના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે “પૂર્વોત્તર એક સમયે કોંગ્રેસનો ગઢ માનવામાં આવતું હતું, પરંતુ રાહુલ ગાંધીની યાત્રા (ભારત જોડો યાત્રા) હોવા છતાં, પાર્ટી ત્રણ રાજ્યોમાં તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓમાં સારો દેખાવ કરવામાં નિષ્ફળ રહી હતી.
તાજેતરમાં મેઘાલય, ત્રિપુરા અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ભાજપે ત્રિપુરામાં સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવી હતી અને અન્ય બે રાજ્યોમાં બીજા પક્ષો સાથે જોડાણ કરીને સત્તા મેળવી હતી.
રાહુલ ગાંધીની લંડનની મુલાકાત દરમિયાન તેણે કરેલી વિવાદાસ્પદ ટીપ્પણીના તરફ ઈશારો કરતા અમિત શાહે કહ્યું કે તેમણે (રાહુલ ગાંધી) વિદેશી ધરતી પર ભારતનું અપમાન કર્યું છે. તેઓ જૂઠાણું બોલીને દેશ અને સરકારને બદનામ કરવાનું ચાલુ રાખશે તો પૂર્વોત્તર રાજ્યો પછી કોંગ્રેસ આખા દેશમાંથી પણ સાફ જઈ જશે. “મોદી તેરી કબર ખુદેગી” અંગેની કોંગ્રેસના નેતાઓની ટીપ્પણી પર તેમણે કહ્યું હતું કે “વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેઓ જેટલા બદનામ કરશે, તેટલો જ ભાજપનો વિકાસ થશે.”
અમિત શાહે કહ્યું હતું કે આસામના 70 ટકા વિસ્તારમાંથી વિવાદાસ્પદ સશસ્ત્ર દળો (સ્પેશિયલ પાવર્સ) એક્ટ, 1958 અથવા AFSPA હટાવી દેવામાં આવ્યો છે, જ્યારે બોડોલેન્ડ અને કર્બી આંગલોંગ વિસ્તારોમાં શાંતિપૂર્ણ માહોલ છે અને રાજ્યના પડોશી પ્રાંતો સાથેના સરહદી વિવાદોનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે. અગાઉ આસામ આંદોલન અને આતંકવાદ માટે જાણીતું હતું, પરંતુ હવે ત્યાં શાંતિ છે અને લોકો બિહુ સંગીતના તાલે નૃત્ય કરી રહ્યા છે.
અગાઉ ચીન સાથે સીમા વિવાદ ધરાવતા પ્રદેશ – અરુણાચલપ્રદેશના સરહદી ગામ કિબિથૂમાં ‘વાયબ્રન્ટ વિલેજ’ પ્રોગ્રામ લોંચ કરતાં અમિત શાહે જણાવ્યું હતું કે ભારતની સરહદી જમીનમાં કોઇ પણ ઘૂસીને અતિક્રમણ કરી શકતું હતું તે દિવસો હવે પૂરા થયા અને હવે કોઇની તાકાત નથી કે તેની સરહદી સાર્વભૌમત્વ પર ખરાબ નજર નાખી શકે. હવે ‘સુઇ કી નોક’ (એક ઇંચ પણ જમીન) ઉપર પણ અતિક્રમણ ન શકે તેમ નથી. દેશની સરહદોની સલામતી માટે રહેલા સલામતી દળોને કારણે કોઇ પણ ભારત પર ખરાબ નજર નાખી શકે તેમ નથી.
ચીને ગૃહપ્રધાનની આ મુલાકાતનો વિરોધ કર્યો હતો અને તેમની પ્રવૃત્તિઓને ચીનની ટેરિટરીના સાર્વભૌમત્વના ભંગ સમાન ગણાવ્યી હતા. જોકે ભારતે ચીનના આ વિરોધને ફગાવી દીધો હતો.