જમ્મુ અને કાશ્મીરમાં ભાજપની ઓનલાઇન સભ્યપદ સિસ્ટમને કારણે ત્રાસવાદી પણ પક્ષના સભ્ય બની ગયો હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. જમ્મુના રિયાસી એરિયામાં ગ્રામજનોએ રવિવારે સવારે તાલિબ હુસેન શાહ અને તેના સાગરિતને ઝડપી લીધા હતા. આ તાબિલ હુસેન શાહ લશ્કર-એ-તોયબાનો વોન્ડેટ આતંકી હતો અને તે ભાજપનો સક્રિય પણ સભ્ય હતો. તે જમ્મુમાં પક્ષના લઘુમતી મોરચા સોશિયલ મીડિયાનો ઇન-ચાર્જ હતો. આ આતંકીઓ પાસેથી બે એકે રાઇફલ, કેટલાંક ગ્રેનેડ અને બીજા શસ્ત્રો અને દારુગોળો મળી આવ્યો હતો. લોકોએ આ આતંકીને આખરે પોલીસને સોંપી દીધા હતા.
ભાજપે ઓનલાઇન મેમ્બરશીપ સિસ્ટમને જવાબદાર ગણાવીને જણાવ્યું હતું કે આ સિસ્ટમથી પૂર્વભૂમિકાની ચકાસણી વગર લોકો પાર્ટીમાં સામેલ થઈ શકે છે. પક્ષના પ્રવક્તા આર એસ પઠાનિયાએ જણાવ્યું હતું કે આ ધરપકડથી નવો મુદ્દો બહાર આવ્યો છે. ભાજપમાં પ્રવેશવાનુ અને રેકી કરવાનું આ નવું મોડલ છે. ટોચની નેતાગીરીની હત્યાનું ષડયંત્ર પણ હતું, જેનો પોલીસે પર્દાફાશ કર્યો છે.
ભાજપે 9 મેએ જમ્મુ પ્રાંતમાં પાર્ટીના આઇટી અને સોશિયલ મીડિયાના ઇન-ચાર્જ તરીકે શાહની નિયુક્તિ કરી હતી. ભાજપ લઘુમતી મોરચા, જમ્મુ અને કાશ્મીરે જારી કરેલા આદેશમાં જણાવાયું હતું કે રાજોરી જિલ્લાના બુધનના દ્રાજ કોત્રાન્કાના તાબિલ હુસેન શાહ તાકીદની અસરથી જમ્મુ પ્રાંતમાં નવા આઇટી અને સોશિયલ મીડિયા ઇનચાર્જ રહેશે. જમ્મુ કાશ્મીરના ભાજપના અધ્યક્ષ રવિન્દ્ર રૈના સહિતના ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે પણ શાહની સંખ્યાબંધ તસવીરો છે. લેફ્ટનન્ટ ગવર્નર અને જમ્મુ અને કાશ્મીરના પોલીસ વડાએ રિયાસીના ગ્રામજનો માટે તેમની બહાદુરીના રોકડ ઇનામની જાહેરાત કરી હતી.