ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની 93 બેઠકોની ચૂંટણીમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શિલજમાં અનુપમ સ્કૂલ, બૂથ નંબર 95માં પોતાનો મત આપ્યો હતો.
મતદાન પછી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં ભાજપ તેના તમામ જૂના રેકોર્ડ તોડીને વિજયી બનશે. અમદાવાદમાં પત્રકારો સાથે વાતચીત કરતા પટેલે જણાવ્યું હતું કે, “આજે, ગુજરાતની ચૂંટણીનો બીજો તબક્કો થઈ રહ્યો છે અને દરેક શાંતિપૂર્ણ રીતે તેમાં ભાગ લઈ રહ્યા છે. ભાજપ તેના તમામ જૂના રેકોર્ડ તોડી નાખશે અને વિજયી થશે.” ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે.
વડાપ્રધાન મોદીએ રાણીપમાં અમદાવાદના રાણીપ વિસ્તારની નિશાન પબ્લિક સ્કૂલમાં મતદાન કર્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે રાજ્યના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે.
બીજા તબક્કાની 93 ચૂંટણી અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, ખેડા અને છોટા ઉદેપુર જિલ્લામાં આવેલી છે.