ગુજરાત ભાજપે બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને પહેલા બળવાખોર માવજી પટેલ સહિતના પાંચ નેતાઓને રવિવારે સસ્પેન્ડ કર્યા હતા. વાવ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષનો ત્રિ-પાંખીયો જંગ છે. ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર તરીકે માવજી પટેલ મેદાને છે.
અહીં ઉલ્લેખનીય છે કે માવજી પટેલે થોડા દિવસ પહેલાં ચૂંટણી પ્રચારમાં ભાજપ અને ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલ સામે પ્રહાર કરતાં પાટીલનો પાવર ઉતારવાનો હુંકાર કર્યો હતો. બનાસકાંઠામાં વાવ વિધાનરસભાની ચૂંટણીમાં ભાજપે અંતિમ ઘડીએ સ્વરૂપજી ઠોકોરને મેન્ડેટ આપી ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા હતાં. પરંતુ, ભાજપના કાર્યકર માવજી પટેલને ભાજપ તરફથી ચૂંટણી લડવાની આશા પૂરી ન થતાં તેઓએ પાર્ટી સામે બળવો કરી પોતાની અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી
આ તરફ વાવ વિધાનસભા બેઠક રાજકીય પક્ષો માટે વટનો સવાલ બની ગઇ છે અને તેને કબ્જે કરવા માટે ભાજપ, કોંગ્રેસ સહિત અપક્ષો પણ એટી ચોટીનુ જોર લગાવી રહ્યા છે. જેમા મતદારોને રિઝવવા હવે એક પછી એક જ્ઞાતિ અને જાતિ આધારિત સંમેલનો યોજાઇ રહ્યા છે. વાવમાં કોંગ્રેસના ઠાકોર અને દલિત સમાજના સંમેલન બાદ આજે માલધારી સમાજનુ વિશાળ સંમેલન મળ્યુ. જેમા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, વિપક્ષના નેતા અમિત ચાવડા સહિત પૂર્વ સાંસદ, ધારાસભ્યો અને કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.