ભાજપે વિધાનસભા ચૂંટણી માટે અપક્ષ ઉમેદવારી બદલ છ વખતના ધારાસભ્ય અને બે ભૂતપૂર્વ ધારાસભ્યો સહિત વધુ 12 નેતાને પક્ષમાંથી મંગળવારે સસ્પેન્ડ કર્યા હતા. ભાજપે છ વર્ષ માટે સસ્પેન્ડ કરેલા નેતાઓની સંખ્યા વધીને હવે 19 થઈ છે.
અગાઉ 1 ડિસેમ્બરે યોજાનાર પ્રથમ તબક્કા માટે ઉમેદવારી નોંધાવ્યા બાદ સાત નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે સસ્પેન્ડ કરાયેલા 12 નેતાઓ બીજા તબક્કામાં ચૂંટણી લડી રહ્યા છે, જે 5 ડિસેમ્બરે છે.આનો અર્થ એવો થાય છે કે 182 બેઠકોમાંથી ઓછામાં ઓછી 10 ટકા બેઠકો પર ભાજપના બળવાખોર ઉમેદવાર છે. હિમાચલની સાથે 8 ડિસેમ્બરે પરિણામ આવશે.
બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખના એક દિવસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્રીય પ્રધાન અમિત શાહની આગેવાની હેઠળની સમજાવટની ઝુંબેશ છતાં આમાંથી કોઈ પણ ભાજપના બળવાખોરોએ ચૂંટણીની રેસમાંથી બહાર નીકળ્યા નથી.
ભાજપે ત્રણ ડઝનથી વધુ વર્તમાન ધારાસભ્યોને પડતા મૂક્યા છે. જેમાં પાંચ પ્રધાનોનો સમાવેશ થાય છે. આનો હેતુ ધારાસભ્યો સામે સત્તા વિરોધી લહેરનો સામનો કરવાની હતી.
સસ્પેન્ડ કરાયેલા નેતાઓમાં વાઘોડિયાના વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે, જેઓ 2002ના રમખાણો સહિત પોલીસ કેસોનો ઇતિહાસ ધરાવતા દબંગ-રાજકારણી તરીકે જાણીતા છે.
ભાજપે સસ્પેન્ડ કરેલા નેતાઓમાં પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનુ પટેલ, બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો પણ સમાવેશ થાય છે. આવા અન્ય નેતાઓમાં કુલદિપસિંહ રાઓલ (સાવલી), ખાતુભાઈ પગી (શહેરા), એસએમ ખાંટ (લુણાવાડા), જેપી પટેલ (લુણાવાડા), રમેશ ઝાલા (ઉમરેઠ), અમરશી ઝાલા (ખંભાત), રામસિંહ ઠાકોર (ખેરાલુ), માવજી દેસાઈ (ધાનેરા) અને લેબજી ઠાકોર (ડીસા)