ભાજપે ગુજરામાં 28 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં 31 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા છે. ભરૂચના ભાજપ પ્રમુખ મારુતસિંહ અટોદરિયાએ જણાવ્યું હતું કે ભાજપે સૌપ્રથમ વખત ભરૂચ જિલ્લામાં આટલી મોટી સંખ્યામાં લઘુમતિ સમુદાયના ઉમેદવારોને ટિકિટ ફાળવી છે.
જોકે તેમણે સ્પષ્ટતા કરી હતી કે ભાજપની આ રણનીતિને હરીફ પક્ષ ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP) અને અસદુદ્દીન ઓવૈસીના પક્ષ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)એ સ્થાનિક ચૂંટણીમાં કરેલા ગઠબંધન સાથે કોઈ લેવાદેવા નથી.
ભરૂચ જિલ્લામાં નોંધપાત્ર સંખ્યામાં મુસ્લિમ મતદારો છે. ભરૂચમાં જિલ્લા પંચાયત, નવ તાલુકા પંચાયત અને ચાર નગરપાલિકા બેઠક આવેલી છે. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડે બુધવારે ભરુચ જિલ્લા માટે જાહેર કરેલા 320 ઉમેદવારો પૈકી ભરૂચમાં 31 મુસ્લિમ ઉમેદવારો જાહેર કરાયા છે.
ભરૂચ જિલ્લા પંચાયતની 34 બેઠકો છે અને તેમાં કોંગ્રેસનું વર્ચસ્વ છે તેમજ જેડીયુથી છૂટા પડ્યા બાદ ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ બીટીપી પક્ષ સ્થાપ્યો તે પણ સત્તા ધરાવે છે. આગામી સમયમાં ગુજરાતમાં સ્થાનિક ચૂંટણી માટે પ્રચારનો જંગ જામશે. કોંગ્રેસ, ભાજપ અને આપ સહિત રાજકીય પક્ષ દ્વારા કેન્દ્રીય નેતાઓની ફોજ મેદાનમાં ઉતારાશે.